મેં ઉપાડી લીધી તેમાં તો મેં મારી ફરજ બજાવી છે. અધિક, કશું જ નથી કર્યું ને ?’
‘છતાં લોક દૃષ્ટિએ ખોટું તો ખરૂં જ ને ?’ માસ્તરના વચનો જીવકોરને શાંતિ આપી શકતા ન હતા.
‘ભાભી ! લોકદૃષ્ટિનું હાર્દ જોવા માટે અંતરના ઊંડાણ માપવાની તાકાત લોકદૃષ્ટિમાં નથી તો !’
‘ઓ હો! હો! સાધુ પુરૂષ ન જોયો હોય તો?’ માસ્તરના શબ્દોથી મનમાં ને મનમાં બળી રહેલા સ્ત્રી વર્ગમાં થોડોક ગણગણાટ થયો. માસ્તરના શબ્દો એમને કાળઝાળ લાગતા હતા. પોતાના અપકૃત્યને ઢાંકવા માટે માસ્તર પોતાના જ્ઞાનનો દુરુપયોગ કરે છે એમ સૌને લાગતું હતું. પણ આ ક્ષણ માસ્તર સાથે ઝઘડો કરવાની ન હતી. જીવકોરનો જીવન દીપ બુઝાઈ રહ્યો છે એમ સૌને લાગતું હતું. એટલે સમય સમજીને તેઓ શાંત રહ્યા હતા.
માસ્તર કહેતા હતા કે ‘ભાભી ! તમે મંગળાની કશી જ ચિંતા ન કરશો. એ ચિંંતા હવે મને જ સાંપી દો.’
‘પણ તમેય...’ જીવકોર વધુ બોલી શકી નહિ. એ શબ્દો ઉચ્ચારવાની તેનામાં હામ ન હતી.
પણ માસ્તર સમજી ગયા હતા એ અધૂરા રહેલા વાક્યનો મર્માર્થ સમજીને માસ્તરે કહ્યું ‘હું નહિ હોઉં તો પણ મંગળા વિષે પૂરતો પ્રબંધ કરતો જઈશ, એની આંખમાં આંસુ નહિ હોય !’
અને જીવકોર જાણે માસ્તરના આ શબ્દો સાંભળવા જ અધિરી બની રહી હોય ને, શબ્દો સાંભળતાં જ શાંત થઈ ગઈ. આંખો બીડાઈ ગઈ.
બહાર જોરથી પવન ફુંકાવા લાગ્યો : ને પીપળા પરનાં પાકાં પાન ટપોટપ ખરવા લાગ્યાં. સાથે સાથે જીવકોરનું પાકું પાન પણ ખરી ગયું.