લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાનગી વાત
૧૭૯
 

બહાર ઓટલે આવતા, ને માસ્તરને જોયા પછી તેઓ મોં મચકોડતા હતા.

એટલે લાકડી લઈને માસ્તરે જ્યારે બહાર જવા પગ ઉપાડ્યો ત્યારે મંગળાને આશ્ચર્ય થાય એ સકારણ હતું.

‘આજે જરા એમ થાય છે કે ખેતરે જઈ આવું !’ માસ્તરે જવાબ દીધો ને કહ્યું : ‘અત્યાર સુધી તો એમ હતું કે હવે મારે શા કાળ કાઢવા છે પણ હવે તો લાંબા દિવસોનો પ્રશ્ન છે ને ?’ અને મંગળાના મનની ઉદાસીનતા ટાળવા જરાક પાછા ફરીને તેના ગાલ પર હળવેથી ટપલી મારતાં કહ્યું ‘તારી ચિંતા મને ભળાવીને જીવકોર ભાભી વિદાય થયા છે ને?’

‘હવે એવી ચિંતા શા માટે કરો છો ?’ મંગળાએ તેમને અટકાવતાં કહ્યું તે ઉમેર્યું ‘બધી જંજાળ છોડી દઈને તમે પ્રભુમાં ધ્યાન રાખો ને!’ ને કહ્યું ‘મારી વાત માનો તો જવાનું માંડી વાળો. જે થાય તે ઘેર બેઠા કરો!’

માસ્તરને મંગળાના દિલનો ભય સમજાતો હતો; બહાર લોકો પોતાનું જે ટીખળ કરે છે તેથી મંગળા મનોમન શેકાઈ જતી. એટલે જ તેણે માસ્તરને નહિ જવાને જણાવ્યું હતું.

માસ્તરે મંગળાના મનની ઉદાસીનતા ટાળવા હસવા માંડ્યું, ને કહ્યું ‘તું તો પાગલ જેવી વાત કરે છે મંગળા ? મેં તે શું કોઈ ખૂન કર્યું છે તે લોકથી ડરતો ફરું? લોકોને જે કહેવું હશે તે કહેશે. એથી આપણે ઘરમાં શા માટે પૂરાઈ રહેવું ?’

ને લાકડી ઠોકતાં માસ્તરે ચાલવા માંડ્યું. મંગળા આ દેવ પુરુષની પૂંઠ જોતી રહી. ને મનમાં ને મનમાં જ તેને વંદન કરી સ્વગત બોલી ‘ભગવાન તમારી રક્ષા કરશે. તમે ક્યાં પાપ કર્યું છે? તમે તો મારા તારણહાર છો. લોકો એ ક્યાં જાણે છે? અને જાણે પણ શી રીતે ?’