માસ્તરે નિશ્વાસ નાંખ્યો, પોતે જાણતા હતા કે જીવકોર પોતાના ગળામાં જે ફાંસલેા નાંખી ગઈ છે એ જીવલેણ છે પણ તેને મરનાર મિત્ર તાપીની યાદ આવતી ને જીવકોરે નાંખેલા ફાંસલાને જીરવવાનું બળ મળી રહેતું.
‘પાનાચંદ !’ માસ્તરે પાનાચંદના ખભે હાથ મૂકીને કહ્યું, ‘હું બધું જાણું છું.’
‘છતાં તમે આ પગલું ભરી બેઠા ?’ પાનાચંદની વિસ્મયતાનો પાર ન રહ્યો, પૂછ્યું, ‘હાથે કરીને ધોળામાં ધૂળ નાંખી, પણ આગના ભડકામાં હોમાયા ?’
‘હા! હાથે કરીને !’ માસ્તર નિરાંતે બોલતા હતા : ઉમેર્યું ‘તાપી મારો મિત્ર હતો. એની અંતિમ પળે મેં એને વચન આપ્યું હતું કે મંગળાની જવાબદારી મારી કોટમાં–’
‘તે એને માટે વર શોધીને પરણાવો એ જવાબદારી કહેવાય પણ આ તો–’
‘પાનાચંદ !’ પાનાચંદનો પ્રશ્ન પુરો થાય તે પહેલાં માસ્તર બોલી ઊઠ્યા. ‘મિત્ર ! જે જવાબદારી મારી હતી એ જવાબદારી આ રીતે પણ મારે જ ઉઠાવવી પડી; જો હું મંગળાને ન સાચવું તો મંગળાને માટે આત્મહત્યા સિવાય બીજો શો માર્ગ હતો ? ને જીવકોર ભાભીનું મોત પણ બગડતને ?’
‘ને તમે જાણી જોઈને આગમાં ઝંપલાવ્યું ?’
‘હા પાનાચંદ, મિત્ર ધર્મ અદા કરવા, જીવકોર ભાભી ઊજળા મોંએ વિદાય થયાં ને મંગળા સામેના આંગળી ચિંંધામણ પણ દૂર થયા ?’ માસ્તરે વિશ્વાસપૂર્વક જવાબ દીધો ને કહ્યું, ‘ભગવાનની ઈચ્છા હતી તેમ થયું. લોક દૃષ્ટિએ મંગળાના મારી સાથે લગ્ન થયા ભલે ગણાય, પણ હકીકતમાં તો એ મારી દીકરી જ છે; એનો સહારો મને બળ આપી રહ્યો છે.’