ફટકારવા જ માંડ્યો. બીજા શિક્ષકોને આશ્ચર્ય તો થયું પણ તુલસી જાણતો હતો કે તે આબાદ પકડાઈ ગયો છે. શરીરના જુદા જુદા ભાગો પર સોળ પાડતી સોટી સામે તે અણનમ ઊભો રહ્યો. ન એક શબ્દ હેડમાસ્તરને પૂછ્યો કે ન ચિત્કાર કર્યો.
ત્યાં પંડ્યા માસ્તર આવી પહોંચ્યા. તુલસીને આમ શિક્ષા ખમતો જોઇને તેઓ વિસ્મય પામ્યા શાળામાં તેમનો જે પ્રભાવ હતો તેના કારણે હેડમાસ્તર પંડ્યા માસ્તર સમક્ષ તુલસીનો સ્વચ્છંદી વ્યવહાર સ્પષ્ટ કર્યો, અંગ્રેજી સાહેબને કૂવેચથી પરેશાન કરવા માટે તેને જવાબદાર ઠરાવ્યો ત્યારે પંડ્યા માસ્તર સહિત સૌની અજાયબીનો પાર ન રહ્યો.
પંડ્યા માસ્તરે તુલસીને હેતપૂર્વક પૂછ્યું ‘તુલસી ! સાહેબ કહે છે તે સાચું છે શું ?’
પ્રત્યુત્તરમાં તુલસીએ કહ્યું, ‘જી સાચી વાત છે. અંગ્રેજી સાહેબના ટેબલ પર મેં જ કુવેચ લગાવી હતી અને અપમાનનો બદલો લીધો હતો.’
પંડ્યા માસ્તર એની હિંમત અને સત્યનો સ્વીકાર કરવાની તત્પરતા જોઈને મુગ્ધ થઈ ગયા.
‘તુલસી !’ પંડ્યા માસ્તરે તેને કહ્યું, ‘સાહેબે જે કાંઈ કડવાં વેણ ઉચ્ચાર્યાં હોય તેને માટે હેડમાસ્તરને ફરિયાદ થઈ શકે પણ તારાથી આવો અનર્થ ન થાય ભાઈ!’
‘હું ક્ષમા માંગું છું ?’ તુલસીએ બે હાથ જોડીને હેડમાસ્તર પાસે ક્ષમા માંગી હતી.
આવો તુલસી પોતાની વાત માની લેશે એવી શ્રદ્ધાનું બળ જ પંડ્યા માસ્તરને બળબળતા બપોરે, નેળિયામાંની ધખધખતી રેતીમાંથી તુલસીના ખેતર ભણી ધકેલી રહ્યું હતું.