લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૧૩
તુલસી પાસે માગણી

⁠બપોર ધરતીને બાળતો હતો, મધ્યાકાશે આવેલો સૂર્ય લાલઘૂમ બનીને તપી રહ્યો હતો; પંખીઓ વૃક્ષની પર્ણાવલીમાં છૂપાઈ ગયા હતા. માનવ બાળ દૂર દૂર સુધી નજર કરતાં ક્યાંય પણ નજરે પડતું ન હતું. નિરવતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. એવા સમયે પસીનાથી રેબઝેબ થતાં માસ્તરે તુલસીના ખેતરમાં પ્રવેશ કર્યો, અને શેઢે ઊભા જ ખેતરમાં દૃષ્ટિપાત કર્યો. ઉનાળુ બાજરી ખેતરમાં ડોલી રહી હતી. દૂર ઊભો કરેલો માંચડો ખાલી હતો. એનાથી થોડેક દૂર એક ઓરડી બંધ હતી. પહેલી નજરે માસ્તરના મનમાં ધ્રાસ્કો પડ્યો; પોતે આવા મધ્યાન્હે તુલસીની શોધમાં અહીં ખેતર સુધી આવ્યા અને તુલસી તો અહીં જણાતો નથી. મનમાં થયું પોતાને ધરમનો ધક્કો પડ્યો કે શું? પણ ત્યાં તો છાતી સમા ઊભેલા બાજરીના પાકની ગીચતામાંથી કાંઈક સળવળાટ થતો જણાયો ને તેમને પાનાચંદે કહેલું પેલું વાક્ય યાદ આવ્યું. ‘કોક કબૂતરીને લઈને ઊપડ્યો હશે એ તો ખેતરમાં !’ ને માસ્તરે ઘડીક ભર તો મૂંગા રહીને પાનાચંદે જેને કબૂતરી કહી છે એ કબૂતરી કોણ છે તે જોવાનો નિર્ણય કર્યો અને આતુરતાભરી ઝીણી દૃષ્ટિ કરીને ઊભા મોલની વચ્ચે જાણે થતો સળવળાટ જોવા માંડ્યાં.