લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તુલસી પાસે માગણી
૧૯૩
 

નજર ઊભા મોલ તરફ હતી. રખેને ત્યાંથી પોતાનું પાપ પણ પ્રગટ થાય ને માસ્તરની નજરે પડે તો ?

‘હા ભાઈ!’ માસ્તર ઈરાદાપૂર્વક તુલસીનો ડર દૂર કરવા તેના કૃત્યથી પોતે સાવ અજાણ હોવાનો ડોળ કરતા હતા. તુલસી પાસેથી તેમને જે કામ લેવાનું હતું તે એટલું તો ગંભીર હતું કે માસ્તર જાણી જોઈને તુલસીને ઉશ્કેરવા માંગતા ન હતા, મનમાં બબડ્યા પણ ખરા, જાણી જોઈને છાણે વીંછી શા માટે ચઢાવવો?

ને તેમણે કહ્યું, ‘આ બળતા બપોરે પણ મને થયું કે મારે તુલસી સમક્ષ મારું હૈયું ખોલવું જ જોઈએ. ઠીક થયું કે તું અહીંં જ હતો, ઘેર તપાસ કરી ત્યાં તું ન હતો એટલે ધાર્યું કે તું ખેતરે જ હોઈશ, તારા જેવો જુવાન ખેતરની સાર સંભાળ લીધા વગર રહે જ કેમ ?’

અને અફસોસ ઠાલવતા કહેવા માંડ્યું, ‘એક અકરમી તો હું છું કે તારા જેવડો મારે દીકરો હોવા છતાં મારે આવા દહાડા જોવા પડે છે. ભાઈ ખેડૂત ગમે તેમ તો પણ પરાયો કહેવાય ? આપણી દેખભાળ ન હોય તો ખેડૂત આપણને શું બતાવવાનો હતો ?’

અને તુલસીના મોંફાટ વખાણ કરતાં કહેવા માંડ્યું ‘ધન્ય છે તુલસી તને! જો ને આ ઉનાળુ બાજરીથી ખેતર કેવું હર્યુંભર્યું લાગે છે?’

માસ્તરના મુખેથી પોતાના મોંફાટ વખાણ સાંભળતાં તુલસીની છાતી ગજ ગજ ફૂલવા લાગી. પોતે જાણતો હતો કે આખા ગામમાં પોતાને માટે ક્યાંયે સારી છાપ નથી અને પોતાના કૃત્યથી આખું ગામ સારી પેઠે પરિચિત છે. પણ માસ્તર જેવા ગામના આદર પાત્ર માનવી પોતાની પ્રશંસા કરે છે એ જોઈને ગામના લોકોનો અણગમો તે ભૂલી ગયો.