તેણે હળવેથી માસ્તરની પાસે બેસતાં પૂછ્યું ‘પણ આવા ખરા બપોરે અહીં આવવાની તમારે શી જરૂર હતી? મને સંદેશો મોકલાવ્યો હોત, તો હું સાત કામ છોડીને તમારી પાસે આવી જાત !’
માસ્તરે તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, ‘ભાઈ ! કેટલાંક કામ એવાં હોય છે કે એને માટે બપોર તાપ કે ધોધમાર વરસાદની હેલી પણ જોવાય નહિ !’
‘પણ સાંજે તો હું ઘેર આવ્યો હોત ને?’
‘હા! પણ વાત ઘેર થાય તેવી નથી તો ?’
‘તો બજારમાં ક્યાંક મળી જાત ?’
‘ના રે ના, એનાં કરતાં આ ખેતર શું ખોટું છે? એને દીવાલ નથી ને, કે જેથી તે આપણી વાત સાંભળી શકે! નિરાંતે આપણે બે જણ વાતો કરી લઈએ કે જેથી ત્રીજાને તેની ગંધ પણ ન આવે.’ માસ્તરે પગ લંબાવી જરા આડા પડતાં પડખે થતાં પાસે બેઠેલા તુલસીનો હાથ પોતાના હાથમાં લઈને રમાડવા માંડ્યો.
વાતનો પ્રારંભ શી રીતે કરવો એની ગૂંચ માસ્તરના મનમાં પડી હતી. એ ગૂંચ ઉકેલવા તેઓ આડે પડખે થયા હતા ને તુલસીનો વિશ્વાસ જીતવા તેના હાથને રમાડતા હતા.
‘તો કહો...’ તુલસો પણ માસ્તરની વાતથી શંકાશીલ બન્યો હતો.
ત્યાં તો સહસા તે ઊભો થઈ ગયો ને જોરથી ગર્જના કરવા લાગ્યો ‘અલ્યા કુણ છે એ ?’
માસ્તરે ફાંગી નજરે જોયું તો ઊભા મોલમાંથી એક યુવતી આસ્તે કદમે ખેતરના છેવાડા ભાગમાં જઈ રહી હતી; તુલસી એને જ સાદ દેતો હતો.