‘ના–’ છંછેડાયેલો વાઘ જેમ ત્રાડ નાંખે તેમ ત્રાડ નાંખી તુલસી બોલી ઊઠ્યો. અને થોથરાતી જીભે બોલ્યો, ‘મંગળાએ તમને મારા વિષે ખોટી વાત કહી છે; મારે ને મંગળાને કશો જ સબંધ નથી !’
‘હું ક્યાં એ વાત કરું છું ?’ માસ્તરે તેને શાંત પાડતાં કહ્યું ને ઉમેર્યું ‘ભૂતકાળને કોણ સંભારે છે. પણ મારા અવસાન પછી તને મંગળાની ભાળવણી કરવા માંગું છું. એક તો તારા વડીલના નાતે, મંગળા એક બ્રાહ્મણની દીકરી છે એ નાતે, અને મારો દીકરો નપાવટ છે એટલે તને મંગળાની ભાળવણી કરવા આવ્યો છું.’
ને ઊભા થતા માસ્તર બોલ્યા, ‘જો મંગળા માતા બનવાની છે !’ અને તુલસી પોતાની વાતનો ઈન્કાર કરે તે પહેલાં જ તેમણે કહ્યું, ‘જેમ કુમળા વૃક્ષને વાવાઝોડા સામે રક્ષણ આપવા માટે કાંટાળા થોરીઆની વાડની જરૂર છે તેમ મંગળાના કુમળા જીવનની રક્ષા માટે કાંટાળા થોરીઆની વાડ બનીને હું જીવું છું, પણ વાડ ચીભડાં ગળતી નથી. એની ખાત્રી રાખજે.’
અને માસ્તરે ટોપી માથા પર મૂકી. હાથમાંની લાકડીને આમતેમ હલાવી, ને પછી વિદાય થવા પગલાં માંડતાં કહ્યું, ‘તુલસી, જીવનમાં ક્યારેક મહત્ત્વના નિર્ણયો કરવાની વેળા આવે છે. એવે વખતે વિચારમાં ગોથાં ખાવાની જરૂર નથી. આવા નિર્ણયો જીવનનો રાહ પણ પલટાવી શકે છે.’
‘પણ માસ્તરકાકા...’ તુલસી હવે સાવ ઠંડો પડી ગયો હતો. માસ્તરે અસ્પષ્ટ રીતે જે કાંઈ કહ્યું તેનો ભાવાર્થ એવો હતો કે મંગળા માતા બનવાની છે, અને તે માટેની જવાબદારી તેની પોતાની છે. માસ્તરે તો કડવા ઘૂંટડા જ ભર્યાં છે.’
‘પણ ને બણ...’ માસ્તરે તેની વાતને ઉગતાં જ ડામવા માંડી