લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
ખાખનાં પોયણાં
 

માસ્તરની વિદાય પછી પણ તુલસી ચિત્તશૂન્ય બનીને ખાટલામાં બેસી રહ્યો. સામે બાજરીનો પાક પવનની લહેરોમાં લહેરાતો હતો. બપોર નમી ગયા હતા. એટલે તાપ પણ ઓછો થયો હતો. અને વૃક્ષોના પર્ણોમાંથી ચળાઈને આવતો પવન ઠંડો લાગતો હતો.

તુલસીના મનમાં જબરજસ્ત ઉથલપાથલ મચી ગઈ હતી. પોતે મંગળાના જીવનને અભડાવ્યું હતું. ત્યારે જતા દિવસે એના પરિણામનો બોજ પોતાના માથે જ ઉઠાવવાના વારો આવશે એવી તો કલ્પના પણ ન હતી. જ્યારે જીવકોરે મંગળાને માસ્તર સાથે વળાવી ત્યારે તો એના મનને એવી નિરાંત થઈ ગઈ હતી કે પોતાના પાપ પર હંમેશનો પડદો પડી ગયો એમ માનતો હતો. પણ એ પડદો માસ્તર જાતે જ આવીને આમ ઉઠાવશે, અને પોતે નિર્બળ બનીને મૂંગો રહેશે એવો પણ તેને ખ્યાલ ન હતો. માસ્તરની હાજરીમાં તુલસીની વિચારધારા જ જાણે કુંઠીત બની ગઈ હતી. કશું જ વિચારી શકતો ન હતો. માસ્તરની આવી પકડમાં તે આબાદ ઝડપાઈ ગયો છે તેનો ખ્યાલ પણ તેને અત્યારે જ આવ્યો.

જેમ જેમ તે વિચારતો હતો તેમ તેમ તે માસ્તરના પંજામાં કેવો સપડાઈ ગયો છે તેનો ખ્યાલ આવતો હતો. માસ્તરે તો બધું જાણતા હોવા છતાં કટુતા કે ઉગ્રતા બનાવ્યા વિના જ, પોતાની પાસે પોતાના પાપનો એવી રીતે એકરાર કરાવી લીધો કે જેને માટે, પોતાને એક અક્ષર પણ બોલવો પડ્યો નહિ. એટલું જ નહિ પણ પોતે તો મંગળા અને તુલસીના પાપના ઝેરના ઘૂંટડા ભરી રહ્યા છે એમ કહીને પોતાના માથે એટલો બોજો મૂકી દીધો કે પોતાને તેનું ભાન પણ રહ્યું નહિ.

હવે માસ્તર નિરાંતે ગામમાં કહી શકશે કે પોતે તો મંગળાનો માત્ર રક્ષક જ રહ્યો છે. તુલસી જ એના પાપ માટે જવાબદાર છે. અને તુલસીનાં અંગેઅંગ આ વિચાર આવતાં સળગી ઊઠ્યાં. એકદમ