એટલે તે અકારણ શંકાશીલ બની ગઈ અને તેના મનને ખાત્રી થઈ કે નક્કી તુલસી ઝપટમાં આવી ગયો છે. એટલે ઊઠીને અંદર ગઈ અને ઝપટ દૂર કરવાનો ઉતાર પણ લઈ આવી ખાટલામાં પડેલા તુલસીના માથા પરથી ઉતારીને તેને થાળીમાં મૂકી દઈ ઉપર છાણ પાણી નાંખ્યા ને છમ કરતોકને અવાજ થયો. પોતાના દીકરાના અછોછાયા કરતાં કહેવા લાગી ‘બેટા ! વેળા−કવેળા સાચવીને ચાલવું.’
‘પણ મને કશું જ થયું નથી મા!’ તુલસીએ માને જવાબ દીધો ને ખાટલામાં સૂતો હતો ત્યાંથી બેઠો થયો, બાજીમાં પડેલી ડાંગ હાથમાં લીધી ને ઊભો થતાં બોલ્યો. ‘મા! માસ્તરકાકાને ત્યાં જઈને આવું છું.’
'માસ્તરને ત્યાં શું દાટ્યું છે ?’ માસ્તરને ત્યાં જવા તૈયાર થયેલા તુલસીને તેની માતાએ વાળવાનો પ્રયત્ન કર્યો ને કહ્યું. ‘મૂઆનું મોં પણ જોવાનું મને તો ગમતું નથી.’
‘તે તું મોં ન જોતી, પણ મારે થોડુંક કામ છે!’ એમ કહીને તેના હાથમાંની ડાંગ ખભે મૂકીને જુતિયામાં પગ નાંખીને ચાલવા માંડ્યું.
‘વહેલો આવજે બેટા !’ ચિંતાતુર માતાએ આજ્ઞા કરી, ને પ્રત્યુત્તરમાં પાછળ જોયા વિના તેણે જ જવાબ દીધો ‘હોં મા !'