આંસુ વહાવતી સંસારના પરિતાપમાં શેકાયેલી મંગળા ક્યાં જશે ? કોણ એને દિલાસો આપશે? કોણ એને આશરો આપશે ?
અને વિચારોના વમળમાં જેમ જેમ માસ્તર ગોથાં ખાતા તેમ તેમ માસ્તરનું મન વિહ્વળ બની જતું. રહી રહીને પણ એમનું મન કહેતું હતું, ‘માસ્તર ! મંગળાના જીવનની રક્ષા કરવાનો તમારો ધર્મ છે. તમારી પત્ની તમારા દેહ વિલય પછી અનાથ બનીને રસ્તામાં રખડતી ટુકડા રોટલા માટે વલખાં મારતી દારૂણ દુઃખમાં ડૂબી જાય તો તમારું જીવતર એળે ગયું ગણાશે. લોકો પણ તમને ફીટકાર દેશે ને કહેશે, ‘આવા ડાહ્યા માસ્તરે મંગળા સાથે લગ્ન કર્યાં પણ એના લાંબા દિવસો માટે કશી જ જોગવાઈ ન કરી ?’
ને તેઓ મનમાં ગણતરી કરવા લાગ્યા. શિવ તો હાથથી ગયો છે. એના હાથમાં જો મિલકત જશે તો જુગારમાં તેનો ખુર્દો થઈ જશે એટલે મિલકતની વ્યવસ્થા મંગળાને નામે જ કરવી કે જેથી મંગળાના જીવનનો પ્રશ્ન ઉકલી જાય અને મિલકત સચવાશે તો પ્રસાદને પણ તે મળશે.
તેમણે એક દિવસ મંગળા સમક્ષ પોતાના હૈયામાં રમી રહેલી ભાવના વ્યક્ત કરતાં કહ્યું, ‘મંગળા આ ઘર જમીન બધું તારા નામે કરવાનો મારો વિચાર છે. તારે હજી જિંદગીના ઘણા લાંબા દિવસો જોવાના છે એનો વિચાર તો મારે કરવો જ જોઈશે ને ?’
માસ્તરના શબ્દો મંગળાના કાનમાં પડતાં જ જાણે તેનો દેહ સળગી ઊઠ્યો હોય એમ તે તપી ગઈ. એની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા ને બોલી તે પણ અગ્નિમાં ઝબોળીને બહાર કાઢ્યા હોય એવા ધખધખતા શબ્દો તેણે કહ્યા, ‘માસ્તર ! મને તમારી મિલકતની શી જરૂર છે? તમે એની ચિંતા શા માટે કરો છો ? હું તો કંઈ તમારી મિલકત ભોગવવા આવી છું?’