તે નિર્ણયને અમલમાં મૂકવાની તેમનામાં હામ ન હતી. તેમના મનમાં તુલસીને વિષે ભયગ્રંથી બંધાઈ ગઈ હતી. તુલસી પોતાનું અપમાન કરે તો ? પોતાના જ વિષે ગમે તેવા હલકા શબ્દો ઉચ્ચારે તો ? ?
ને સૌથી વિશેષ ભય તેમને તુલસીની માતા ઝવેર વિષેનો હતો. તુલસી ભૂલેચૂકે પણ જો પોતાની વાત તેની માતાને કહી દે તો ઝવેર આભમાં ચંદરવો બાંધવા તૈયાર થાય એની જીવ્હામાં રહેલું ઝેર એ ફળિયાના માનવોથી પરિચિત હતું. અટલે ફળિયાના લોકોમાંથી કોઈ તેને છંછેડવાની હિંમત કરતું નહિ.
પણ મંગળા ઘરમાં હરતી ફરતી પ્રસાદને હૈયા સરસો ચાંપતી અને માસ્તરની આંખો પણ તેની પાછળ પાછળ ફરતી હતી ત્યારે એમના મનમાં પુનઃ પેલો પ્રશ્ન ઊઠતો હતો. ‘મારી હયાતી નહિ હોય ત્યારે આ મંગળાનું શું થશે ? એનો રામ પૂછતો હતો માટે તેં કાંઈ જ વિચાર્યું નથી ? તારી કોઈ જ ફરજ નથી શું ? સમાજની દૃષ્ટિએ તો એ તારી પત્ની છે ને ? તે એના આવનાર બાળકનો પિતા પણ સમાજની નજરે તો તું જ ઠરશે ને? ત્યારે એના ભાવિનો વિચાર કેમ તને આવતો નથી?’
અંતે તેમણે સાહસ કર્યુંં જ, અને તુલસીને મળી આવ્યા પછી એમનું મન પ્રસન્નતા અનુભવવા લાગ્યું. તુલસીના ખેતરેથી પાછા ફરતાં એમના મનમાં જે આનંદ ઉછાળા મારતો હતો તે મંગળા પાસે વાત મૂકવાનો પ્રશ્ન ઉદ્ભવતા શાંત થઈ જતો હતો. એમના મનમાં સ્વમાની મંગળા પોતાની વાત માનવા તૈયાર થશે કે કેમ તેને વિષે ભારે શંકા હતી. જે મંગળા પોતાની-લોકદૃષ્ટિએ તો તેના પતિની મિલકતને સ્પર્શ કરવા પણ તૈયાર નથી, એ મંગળા પોતાના દેહ વિલય પછી તુલસીની છાયામાં જવા તૈયાર કેમ થશે ?’ એવી શંકાના જાળાં તેમના મનના ખૂણામાં જામી પડતાં હતાં.
રસોડામાંથી ચાહનો પ્યાલો હાથમાં લઈને મંગળા બહાર આવી