લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ખાખનાં પોયણાં
 

પોતાનો પાલવ પહોળો કરીને પાથરતાં કહ્યું, ‘માસ્તર મારી વાત માની લો, બીજા કશાની ખાતર નહિ તો મારું મોત ન બગડે એ માટે પણ મારી વાત માનો ! હું તમને ખોળો પાથરું છું.’

‘ના ભાભી ! આવી ગાંડી વાત હું માનવા તૈયાર નથી. અને તે પણ જો મારો દીકરો બદમાશ નીકળ્યો ન હોત ને રૂખી નાસી ગઈ ન હોત તો વળી હું વિચારત ! મંગળા એ રીતે મારી દેખરેખ હેઠળ રહેત ને સુખી થાત પણ એય નસીબ તો ફુટલા જ છે!

‘પણ તમે તો છો ને?’ જીવકોર ઊભી થઈ અને આવેશથી ધ્રુજતી કાયા લઈને આગળ વધી મૂંગી બેસી રહેલી મંગળાનો હાથ પકડ્યો ને કહ્યું, ‘ઊઠ મંગળા !’

મંગળા ચૂપચાપ યંત્રવત્‌ ઊભી થઈ. માસ્તર પણ મા દીકરીને વિદાય આપવા ઊભા થયા પણ ત્યાં તો જીવકોરે ગજબ કર્યો, મંગળાનો જમણો હાથ માસ્તરના જમણા હાથને ખેંચીને તેમના હાથમાં મૂકતાં કહ્યું, ‘માસ્તર આ વાણિયા–બ્રાહ્મણનું પરણેતર છે. મંગળાનો હાથ તમારા હાથમાં મૂકી દીધો. હવે તમારે એનું જે કરવું હોય તે કરજો, તમારા ઘરનું માણસ છે.’

માસ્તર તો ફાટી આંખે આ જોઈ રહ્યા. જીવકોરનું ઝનૂન, મંગળાનું અવ્યક્ત દુઃખ, એની આંખોમાંથી વહેતી ગંગા જમના અને પોતાના હાથમાં પડેલો મંગળાનો હાથ, એ બધું જાણે કોઈ નાટકનું દૃશ્ય રજૂ થયું હોય અને પ્રેક્ષક મુઢ બનીને જોઈ રહે તેમ માસ્તર વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા.

જીવકોરે બારણું ઉઘાડ્યું ને બહાર ડગ દેવા માંડ્યા એની પાછળ જ મંગળાએ પણ બહાર જવા પગ ઉપાડ્યા.

‘અહીં જ મરી રહે હવે, મારો છેડો મૂક !’ પોતાની પાછળ આવતી મંગળાને તેણે એક છાસીયું કર્યું અને બે હાથે હડસેલો દેતાં કહ્યું : ‘હવે મને શાંતિથી મરવા દે. ઉજળા મુખે !’