લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
ખાખનાં પોયણાં
 

પણ ખાત્રી થઈ કે આ સાધુ નહિ પણ શયતાન છે અને તારી પત્નીએ તેમની સામે જે આક્ષેપો કર્યા હતા તે સંભવતઃ સાચા પણ હશે ?’

શિવ તુલસીની વાત એકાગ્રતાથી સાંભળી રહ્યો હતો, છતાં એના મનમાં તુલસી જે ભાવો પેદા કરવા માંગતો હતો તે પેદા થતા ન હતા. તુલસી એ જોઈ શકતો હતો કે પોતાની વાત શિવના ગળાથી હેઠળ પહોંચી શકતી નથી ત્યારે તે સહેજ ઉગ્ર બન્યો ને શિવને કહેવા લાગ્યો ‘શિવ ! આ બધું શા માટે તારા બાપને કરવું પડ્યું તે તું જાણે છે ?’

પ્રત્યુત્તરમાં ગંભીર બનીને મૂંગા રહેલા શિવે માત્ર ડોકું હલાવીને કહ્યું, ‘ના.’

‘અરે દોસ્ત !’ તુલસીએ શિવની પીઠ થાબડીને પછી ખડખડાટ હાસ્ય વેરતાં કહ્યું ‘તારો બાપ ઊંડા પાણીમાં રમતો જણાય છે.’

‘એટલે ?’ શિવે પૂછ્યું.

‘અરે, નાદાન ! તું હોશિયાર ખરો. પણ તારા બાપ જેવો તો નહિ જ !’ તુલસી હજી પણ કાંઈ સ્પષ્ટતા કરતો ન હતો; તે એવી રીતે વાતો કરવા માંગતો હતો કે પોતે શિવના મનમાં માસ્તર વિષે જે કાંઈ ઠસાવવા માંગે છે તે બરાબર જામી જાય એટલે હળવે હળવે, હસતાં હસતાં પંડ્યા માસ્તરની વિરુદ્ધમાં તેના કાનમાં ઝેર રેડતો હતો.

‘પણ શું છે સ્પષ્ટ કહી દે ને ?’ તુલસી ધીમેથી વાત કરતો ત્યારે શિવ તુલસીએ જે કાંઈ કહ્યું છે તેની ખાત્રી કરવા માટે ઘર તરફ દોડી જવાની ઉતાવળમાં હતો. તેણે જરા આવેશમાં આવીને પૂછ્યું.

‘એમ ઉતાવળો શાનો થાય છે ભાઈ ?’ પણ તુલસી ભારે ખેપાની હતો. તેણે જોયું કે પોતાના નિશાન બરાબરના ધાર્યા પડ્યા છે એટલે તેણે પોતાની વાતને વધુ બહેલાવવાના પ્રયત્ન કર્યો.

ને ઉમેર્યુંં ‘તું સાંભળીશ ત્યારે તારા રૂંવા ઊભા થઈ જશે,