લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
ખાખનાં પોયણાં
 

ચાલ્યો ગયો તેથી તુલસીને પોતાના પગલાંની કામયાબી વિષે શ્રદ્ધા પેદા થઈ.

‘હાશ ! હવે મંગળા જવાબ કેવો આપે છે તે જોવાશે !’ ઘણા દિવસ થયા મનમાં જે પ્રશ્ન સળગતો હતો તે અત્યારે બુઝાઈ ગયો હોય એવી નિરાંત અનુભવતો માંડવા નીચેના ખાટલામાં પડ્યો પડ્યો તુલસી સ્વગત બબડ્યો.

અને શિવ હવે પોતાનુ વેર બરાબર લેશે એવી કલ્પનામાં તે રાચવા લાગ્યો. એના મનનો મોરલો તૃપ્તિના આનંદથી નાચતો હતો. અને મનોમન બોલતો હતો, ‘હાશ ! ક્યાંથી શિવ આવી ચઢ્યો ને પોતાની પડખે જ થઈ ગયો !’

ત્યારે ધૂંવાફુંવા થતો શિવ ઘેર આવ્યો અને આંગણામાં ઊભો રહ્યો. પંડ્યા માસ્તરની બાજુમાં બેસીને મંગળા પ્રસાદને દૂધ પીવડાવતી હતી અને માસ્તરનો હાથ મંગળાની પીઠ પર હળવે હળવે ફરતે હતો; જ્યારથી તુલસી સામે મંગળાએ જંગ માંડ્યો ત્યારથી માસ્તરના મનની ચિંંતાઓ અનેક ઘણી વધી ગઈ હતી. પોતાની યોજના નિષ્ફળ જતી જણાઈ. હવે મંગળાનું કોણ ? એ પ્રશ્ન રાતદિવસ માસ્તરના મનને કોરી ખાતો હતો. જે જવાબદારી પોતે ઉઠાવી છે એ જવાબદારી પૂર્ણ તો ત્યારે જ થઈ ગણાય કે જ્યારે તે મંગળાના ભાવિનો પણ પ્રબંધ કરી શકે, એ પ્રબંધ શી રીતે કરવો ? મંગળા કોના સહારે જીવન વિતાવશે ? એવા જાત જાતના તર્કો માસ્તરના મનમાં અવારનવાર ઉઠતા અને તે હતાશ થઈ જતા.

મંગળા એમના મનની હતાશા ખંખેરી નાંખવાનો પ્રયત્ન કરતી; પ્રસાદને દૂધ પીવડાવતાં પીવડાવતાં પણ મંગળા માસ્તરને કહી રહી હતી.

‘તમે વગર મફતની મારી ચિંતા કરો છો.’

ત્યારે પાસે બેઠેલી મંગળાના બરડા પર હાથ ફેરવતાં માસ્તર પોતાની મનોવ્યથા ઠાલવતા હતા.