લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કપાતર
૨૨૯
 

મંગળાને ઝડપી લીધી અને માસ્તરની સમજમાં આવે તે પહેલાં તો તેણે મંગળાને ઘસડીને ઉંબરાની બહાર ધકેલી દીધી અને કહ્યું, ‘હવે ઘરમાં પગ મૂક્યો છે ને તો જાનથી ખતમ કરી દઈશ સમજી હરામજાદી ?’

‘હરામજાદી !’ શિવ મંગળાનું આવું હાડોહાડ અપમાન કરે તે સ્વમાની માસ્તરથી કેમ સહન થાય ? તેમણે ત્રાડ નાંખી, જાણે મૃત્યુ શૈય્યા પર પડેલો કેસરી, છેલ્લી ત્રાડ નાંખતો હોય એમ માસ્તરની સમસ્ત કાયા કાંપતી હોવા છતાં એમના શબ્દોમાં અજબનો જુસ્સો હતો.

અને સાથે જ તેઓ આગળ ધસ્યા. ઉંબરા બહાર ઉભેલી મંગળાને અંદર લઈ આવવા બહાર જતા હતા ત્યાં શિવે તેમને અટકાવ્યા ને ગુસ્સામાં જ પૂછ્યું, ‘ક્યાં જાવ છો ?’

‘જ્યાં મંગળા...’ માસ્તર વધુ બોલી શક્યા નહિ, એમનો ચહેરો લાલઘૂમ બની ગયો અને તેમણે શિવને શિક્ષા કરવા હાથ ઊંચો કર્યો ત્યાં તો ભાન ભૂલેલા શિવે તેમના હાથને એવો તો જોરથી ઝાટકો માર્યો કે માસ્તર જમીન પર પડી ગયા અને બારણા સાથે જ માથું ભટકાતાં એમાંથી લોહીની ધારા વહેવા માંડી. મંગળા એકદમ દોડી આવી અને માસ્તરના લોહી નીકળતાં મસ્તકને પોતાના ખોળામાં લેતાં શિખામણ દેવા લાગી, ‘તમે આવું સાહસ શા માટે કર્યું? હું મારી માતાને ત્યાં રહેવા જાત પણ...’

મંગળા ચોધાર આંસુએ રડતી હતી, એ આંસુ માસ્તરના માથાના જખમમાંથી વહી રહેલા રક્ત સાથે ભળી જતાં હતાં, માસ્તર મંગળાના વલોપાતને જોતાં, પોતાની નિરાધાર હાલત પર અફસોસ કરતા હોય એમ કહેવા લાગ્યા, ‘મંગળા...’

‘હવે તમે શાંત રહેશો ?’ મંગળાએ તેમને બોલતાં અટકાવ્યા