‘પણ ભાભી, તમે એકલા જ જશો ? ભલેને મંગળા તમારી સાથે આવે.’ માસ્તરના સ્વરમાં ભારોભાર કરુણા હતી.
‘ના, હવે મારે એનો ખપ નથી !’ જીવકોરે મક્કમતાપૂર્વક કહ્યું. ને માસ્તરને સલાહ આપતી હોય એમ બોલવા લાગી, ‘હવે તમારે એની સંભાળ લેવાની છે.’
ને પછી અચાનક જ ઉઘાડા બારણામાં ઉંબરા પર બેસી જતાં જીવકોર કહેવા લાગી, ‘માસ્તર તમારો પાડ માનું એટલો ઓછો છે. ભાઈબંધી તમે બાંધી જાણી અને વખત આવે ટકાવી પણ જાણી, હાશ ! માસ્તર અત્યારે મારા મનમાં એટલો આનંદ છવાયો છે એ તમને આ કાળી રાત્રિએ શી રીતે બતાવી શકું ? પણ આ આંખો જુઓ ? નજર જવા બેઠી છે છતાં અત્યારે એમાં કેટલું તેજ ઝળહળે છે ? આ ઘરડી કાયા તો જુઓ અત્યારે પણ જુવાન જેવી નથી લાગતી ? હા, માસ્તર હા, માથા પરનો બોજો હળવો થતાં માણસ કેવું હળવું બની જાય છે. હું પણ હવે હળવી બની ગઈ છું. હવે એક જ આરજુ છે માસ્તર !’ તે માસ્તર સામે એવી રીતે દૃષ્ટિ માંડી રહી કે જાણે એ જીવન માંગતી હતી.
‘માસ્તર મંગળાને તમે માફ કરશો એવું મને વેણ આપો, એ બાળક છે, જિંદગી એણે જોઈ નથી એટલે બાળક બુદ્ધિમાં એણે કોઈ ભૂલ કરી હોય તો તમે એને માફ કરજો. માસ્તર તમે તો દયાના દેવ છો. મુજ પર તમે આટલી મોટી કીરપા કરી છે તો હવે થોડી વધુ કીરપા કરો ને મને તમારું વેણ આલો એટલે હું ચાલતી થાઉં.’
હવે માસ્તર આટલા લાંબા પિંજણનો અર્થ સમજ્યા હોય એમ તેમના ચઢી ગયેલાં ભવાં પરથી સમજાયું.
તેમણે હવે સ્પષ્ટ કહ્યું, ‘ત્યારે ભાભી એમ જ કહો ને કે ખાટી છાશ ઉકરડે ઢોળવા નીકળ્યા છો? ને તમને ઉકરડો હું જ મળ્યો એમ ને ?’