તુલસીની માતા ઝવેરે મોટા સાદે કહ્યું ને ઉમેર્યું, ‘પુરુષ જાત છે, મસાણે જતાં પણ પરણે એમાં તે દીકરાને શું? તે આવા ઉધામાં કરે છે?’
ને ઝવેરના પુછાયેલા પ્રશ્નનો ઉત્તર તેની પડોશણે જ આપ્યો. કહ્યું, ‘વાંક માસ્તરનો જ છે. પહેલેથી દીકરાને અંકુશમાં રાખ્યો નહિ તે સાવ વંઠી ગયો, જેલ જોઈ આવ્યો, માસ્તરનું તો નાક વાઢી નાખ્યું, પણ માસ્તરે તેને દાબમાં રાખ્યો જ નહિ. તેનું જ આ પરિણામ છે.’
અને ચર્ચાના ચોગાનમાં કૂદી પડવા માટે તો કેટકેટલાં લોકો તૈયાર હોય છે? પોતાને જેની સાથે કશી જ નિસ્બત ન હોય એવા લોકો પણ પારકા તાપણે તાપવા તૈયાર હોય છે. અહીં પણ એમ જ બન્યું. ઝવેરે માસ્તર પ્રત્યેની અનુકંપા વ્યક્ત કરીને ચર્ચાનો માર્ગ મોકળો કર્યો.
બીજાએ કહ્યું, ‘માસ્તર પરણ્યા એમાં તે શી નવાઈ હતી? મારા દાદા સિત્તેર વર્ષે પંદર વર્ષની વહુ લાવ્યા હતા અને મારી બાને કહે ‘વહુ, આ તમારા સાસુની મર્યાદા જાળવો. પચાસ વર્ષની મારી બાને માથે પંદર વર્ષની સાસુ ? પણ મારી બાથી ચૂં કે ચા થાય જ નહિ ને ? દાદાએ એમનાં નવાં વહુને સાસુપણું કેમ કરવું તે પણ શીખવી દીધું હતું, તે મારા દાદા પાસે જ રહે અને આખા ઘરનું વૈતરું મારી બાને કરવું પડતું હતું, એવું તો માસ્તરે કર્યું નથી ને ?’
વાત વધતી હતી, અને પછી તો પુરુષને ગમે તે વયે પરણવાની છૂટ છે એવો સર્વ સંમત નિર્ણય આવ્યો. ઝવેર ઘરમાં પાછી ગઈ અને ફળિયાના લોકો માસ્તર પ્રત્યેની હમદર્દી સાથે વિખરાયા.
મહિનાઓ પછી જીવકોરના ઘરના બંધ દ્વાર ઉઘડ્યા હતા. મંગળાએ