હાસ્ય નંદવાઈ ગયું છે. જીવનનો બાગ, માળીની રખેવાળી છતાં કરમાઈ ગયો છે. કહે એને માટે જવાબદાર કોણ ? લોક દૃષ્ટિએ ભલે તું જવાબદાર ન હોય પણ...’
‘બસ, બસ, તુલસીના મનમાં જાગેલા મંથનથી તે અકળાઈ ઊઠ્યો ને પોતાનું માથું પકડતાં સ્વગત બબડ્યો ‘જે હોય તે, પણ હું એવી લપમાં પડવા માંગતો નથી.’
‘શાની લપ છે તુલસી?’ તાંસળામાં બે રોટલા ને તેને માથે મૂકેલા શાક સાથે તુલસી સામે ઉભેલી ઝવેરે પૂછ્યું ને કહ્યું, ‘ક્યારની તને બૂમ મારું છું તે સાંભળતો નથી?’
તે તુલસી સામે રોટલા શાકવાળું તાંસળું ધરતાં બોલી, ‘લે તો આ મંગળાને ત્યાં આપી આવ તો !’ અને દયા ખાતી હોય એમ કહેવા લાગી ‘બિચારીએ ખાવા પણ ક્યાંથી કર્યું હશે ?’
તુલસી અનિચ્છાએ ઝવેરે પોતાના હાથમાં મૂકેલું તાંસળું લઈને ઊભો થયો. મંગળાને આપવા તેણે ઘર બહાર પગ મૂક્યો ત્યારે ઝવેરના મુખમાંથી સરી પડેલા શબ્દો તેના કાને પડ્યા ‘બિચારી હરણ જેવી ભોળી છે; ક્યાંક પગ લપસ્યો હશે ભૂલથી.’
શબ્દો સાંભળતાં તુલસી ચમક્યો. બારણામાં જ ઊભા રહીને તેણે પાછું વળીને ઝવેર સામે જોયું. એની આંખમાં શંકાનો સળવળાટ થઈ રહ્યો હતો.
ઝવેરે તેને કહ્યું ‘તને નહિ બેટા ! જા આપી આવ !’
તુલસી વિદાય થયો, પણ ભાંગેલા પગે, એનું ચેતન જ હણાઈ ગયું હતું. ઝવેર અને મંગળાના મકાન વચ્ચે કાંઈ ઝાઝું અંતર ન હતું. બે પાંચ મકાનો જ વચ્ચે હતાં. પણ એટલો ટુંકો પંથ કાપતાં પણ તુલસીને પસીનો વળી ગયો હતો; એણે મંગળાનું જે રૌદ્ર સ્વરૂપ જોયું હતું તે રહી રહીને તેની નજરે પડતું હતું ક્રોધની સાક્ષાત મૂર્તિ જેવું એનું