મારી ચિંતા ન કરે, ભગવાન સૌનો ધણી છે’ તુલસીએ મંગળાના હાથમાંથી તાંસળું લીધું ત્યારે મંગળાના હાથનો જે સ્પર્શ થયો તેથી તે દાઝતો હોય એમ સહેજ ચમક્યો ને પછી ચાલતો થયો.
ઘેર આવીને તુલસી ખાટલામાં પડ્યો. મંગળાને તે પોતાના મનોપ્રદેશમાંથી હાંકી કાઢવા માંગતો હતો. પણ મંગળા તો એના મનોપ્રદેશ પર પકડ જમાવીને બેઠી હતી. તુલસી જેમ જેમ તેને દૂર હડસેલો દેવા મથતો હતો તેમ તેમ મંગળા એને પરેશાન કરતી હતી.
‘ચાલને બેટા, થોડુંક ખાઈલે !’ ઝવેરે ખાટલામાં ચિત્તશૂન્ય બનીને પડેલા તુલસીને કહ્યુંં ને ઉમેર્યું, ‘રાત વહી રહી છે.’
પણ તુલસી શાંત પડી રહ્યો હતો. એના પોપચા પર પેલો ભયંકર ભૂતકાળ બેઠો હતો. જે દિવસે તે શયતાન બન્યો હતો અને મંગળાનો શિકાર કર્યો હતો. એના જીવન પર પોતાના દાંત બેસાડીને એના જીવનને નષ્ટપ્રાય બનાવી દીધું હતું.
‘ઉઠ તો ભાઈ, જે ભાવે તે ખાઈ લે ને?’ કરીને ઝવેરે તેને ઢંઢોળતાં કહ્યું ને તુલસી ઊભો થયો.
તુલસી રોટલાની કોર ભાંગતો હતો અને વળી પાછો વિચારે ચઢી જતો હતો. ઝવેર તેની સામે જ બેઠી હતી અને તુલસીને આજે આમ વિચારમાં ગોથાં ખાતો જોઈને બોલી ઊઠી.
‘આજે તને થયું છે શું ? ખેતરમાં કાંઈ બન્યું છે? ખેડૂ સાથે કજિયો થયો છે?’ ઝવેરે પ્રશ્નો કર્યા.
‘ના રે ના કાંઈ નથી !’ ઝવેરના પ્રશ્નોથી ચોંકી ઉઠેલા તુલસીએ જવાબ દીધો અને ભોજનના કાર્યમાં તેજી લાવી ઝડપથી તેણે રોટલાની કોર ભાંગીને મોંમાં મૂકવા માંડી.
તુલસીને આજે આવી વિચાર મગ્ન હાલતમાં જોતાં ઝવેરને પણ મનમાં ઊંડે ઊંડે શંકા પેદા થવા લાગી. જ્યારથી તેણે માસ્તરની