જીવકોર શરમના બોજથી નીચી ગરદને બેસી રહી. એની બાજુમાં મંગળા ઊભી હતી. જાણે કોઈ કાષ્ટની પૂતળી. ત્યારે માસ્તરની કાયા ક્રોધથી કાંપતી હતી.
‘ભાભી,’ ઉશ્કેરાટમાં માસ્તર બોલતા હતા. કહ્યું, ‘શું કરું મરનારનુ મોં આડે આવે છે બાકી તો તમને બન્નેને અહીંથી તગડી મૂકું ? પાપના પોટલાનો બોજો તમારાથી ઉપાડતો નથી ને મારા માથે મૂકવા આવ્યાં છો. ખરું ને? અને તે પણ મારી આ જતી જિંદગીએ ! તમે તમારું મોત બગાડવા માંગો છો એમ જ ને?’
માસ્તરના આકરા શબ્દ પ્રહારો જીવકોર મૂંગા મૂંગા ઝીલતી હતી. એની પાસે પ્રત્યુત્તર આપવા જેવો એક પણ શબ્દ ન હતો. મંગળાનો હાથ પકડીને તેને પોતાની સાથે ખેંચી જઈને નાસી જવાનું મન પણ થતું હતું પણ એના પગ ધરતી સાથે જાણે ચોંટી ગયા હતા ! ઉપડતા ન હતા.
માસ્તરનો રોષ ઠલવાઈ ગયો હતો. તેઓ પણ જાણે ભાંગી પડ્ચા હોય એમ નીચે બેસી ગયા. ઉઘાડા બારણામાંથી ઠંડા પવનના સુસવાટા આવી રહ્યા હતા. માસ્તરની આંખમાંથી આંસુ સરી રહ્યાં હતાં.
‘ભાભી !’ આખરે માસ્તરે કહ્યું, ‘તમે જાવ ! મંગળા ભલે મારી પાસે રહી !’ ને પછી ઉમેર્યું, ‘તમે તમારું મોત સુધારો ! મારું મોત ભલે બગડે. તાપી સાથેની દોસ્તી ખાતર મારું મોત બગડતું હોય તો મને વાંધો નથી.’
આભના ટોડલે અરણીઓ આથમી ગઈ હતી. પાછળ રાત્રિનાં અજવાળાં પથરાતાં હતાં અને એ અજવાળે અજવાળે જીવકોર પોતાના ઘર તરફ જઈ રહી હતી.