વખના ઘૂંટડા
પંડ્યા માસ્તર વખના ઘૂંટડા ભરી રહ્યા હતા.
મંગળાને પોતાની પાસે મૂકીને જીવકોર વિદાય થઈ ત્યારથી પંડ્યા માસ્તરની ચેતના જાણે ઠંડી પડી ગઈ હતી. શિયાળાની પાછલી રાત્રિ વધુ ઠંડી બની રહી હતી. પવન સૂસવાટા કરતો વહી રહ્યો હતો. આભની અટારીએ રમતો ચંદ્ર પણ ક્ષીણ થઈ રહ્યો હતો.
ફળિયામાં સૂમસામ હતું. તો ગામમાં પણ એવી જ ભયાનક નીરવતા છવાઈ ગઈ હતી.
ગોખલામાં ટમટમતા કોડિયાનો દીવો પણ છેલ્લા ઝબકારા લઈ રહ્યો હતો. પંડ્યા માસ્તર ચેતનવિહીન બનીને ખાટલામાં ટેકો લઈને બેસી રહ્યા હતા. ત્યારે માસ્તરની સામે પૂંઠ ફેરવીને પ્રસાદ પર પોતાનો હાથ મૂકી બીજા હાથે સાડીનો પાલવ આંખો પર ઢાંકી દઈને મંગળા પણ કઠપૂતળીની જેમ બેસી રહી હતી.
દીવો ક્યારે બુઝાઈ ગયો અને બંધ બારણાની તરાડોમાંથી દિવસનો પ્રકાશ ક્યારે ઓરડામાં પથરાવા લાગ્યો, તેનું પણ બન્નેમાંથી કોઈને ભાન ન હતું. અને જો પ્રસાદે રડવાનું શરૂ કર્યું ન હોત તો સંભવ છે કે બન્ને જણાં કઠપૂતળીની જેમ અચેતન હાલતમાં બેસી જ રહ્યાં હોત.