લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંતરમાં ડંખ
૨૫૫
 

શિવ આગળ વધ્યો. ઓસરીમાંના એક પગથિયા પર પગ મૂક્યો ને પ્રસાદને લલચાવતો હોય એમ કહેવા લાગ્યો, ‘લે ચાલ બેટા, આજ તો તારા માટે...’ પણ પ્રસાદ તો મંગળાના દેહ સાથે એવો જડાઈ ગયો હતો કે તે મુક્ત થવા માંગતો જ ન હતો.

‘પ્રસાદ આવવા માંગતો નથી.’ મંગળાએ કહ્યું. એની આંખ દારૂણ વ્યથા ભરી હતી. એના શબ્દોમાં ભારોભાર કરૂણા ભરી હતી. પોતાના દેહ સાથે ચોંટી ગયેલા પ્રસાદને પોતાના હૈયા સરસો ચાંપતાં કહ્યું ‘ને તમારે ત્યાં એની સંભાળ લેનારું કોણ છે?’

‘હું બેઠો છું ને?’ શિવ તાડૂકી ઊઠ્યો.

‘પણ માસ્તરે અંત સમયે મને સોંપણી કરી છે.’ મંગળા દીનભાવે બોલી ને કરગરતી હોય એમ કહેવા લાગી, ‘મારી પાસે એને રહેવા દો. મોટો થાય એટલે લઈ જજો. દીકરો તો તમારો જ છે ને ? મારો એ છે કાંઈ ?’

‘હવે એ બધી પંચાત કર્યા વિના પ્રસાદને આગળ કરી દેને ?’ શિવે એક એવું છાશિયું કર્યું કે મંગળા ધ્રુજી ઊઠી.

‘ચાલ પ્રસાદ !’ તેણે મંગળાને વળગી પડેલા પ્રસાદને સત્તાવાહી સ્વરે કહ્યું : ‘મૂકી દે એ કુલટાને ?’

‘કુલટા ?’ શિવના મોંમાંથી બદાબો તો વછૂટતી હતી, પણ હવે તો એના શબ્દોમાં પણ બદબો આવવા માંડી, એથી મંગળા આગમાં ઈંધણ હોમાતા જેમ ભડકો થાય તેમ સળગી ઊઠી ને આવેશમાં આવીને શિવને ધમકાવવા લાગી: ‘કોને કુલટા કહે છે ? રૂખી કરતાં તો હજી સારી છું ને ? ધણીને ઊભો મૂકીને એ બીજાની સોડમાં લપાઈ છે એ તો જરા જો!’

મંગળાના આવા ધગધગતા શબ્દોએ શિવના અંગે અંગે જાણે ડામ દીધા હોય એવા ચોંટી ગયા; એનો નશો પણ ઉતરી ગયો. ત્યારે મંગળા હજી પણ રોષપૂર્ણ શબ્દો તેને સંભળાવી રહી હતી.