‘જાને જોર બધું બૈરી પર અજમાવને? બાપ તો બિચારો દેવનો માણસ હતો તે જીવતાં અંગારામાં શેકાતો રહ્યો ને મરણ પામ્યો ત્યારેય ચિતામાં પણ તારી ચિંતા લઈને જ સૂતો !’ મંગળાના શબ્દો શિવના મર્મસ્થાનને આબાદ ભેદી રહ્યા હતા.
‘બસ કર કહું છું, કુલટા ?’ મંગળાના શબ્દોથી સળગી ઉઠેલો શિવ તાડૂકી ઊઠ્યો ને મંગળા પ્રતિ એવી રીતે ધસ્યો કે જાણે વાઘે પોતાના શિકારને પકડવા છલાંગ મારી, પણ મંગળા સહેજ પાછી હઠી ગઈ અને શિવની મુરાદ અધૂરી રહી.
‘મા-દીકરીનો મારા બાપની મિલકત પર ડોળો હતો તે કોકનું પાપ માસ્તરને ગળે વળગાડી દીધું!’ પોતાની મુરાદમાં નિષ્ફળ ગયેલો શિવ હવે શબ્દ યુદ્ધનો પ્રારંભ કરતો હતો.
‘કોકનું પાપ ?’ મંગળા ચીસ પાડી ઉઠી ને બોલી, ‘એ પાપ નથી, હરામખોર ! એનો બાપ તો જગતથી અજાણ નથી, સમજ્યો ને !’ મંગળાએ કહ્યું : ફળિયામાં ભારે હોબાળો મચી ગયો હતો. શિવના તાંડવથી લોકો જમા થઈ ગયા હતા અને જે બેફામપણે શિવ મંગળા સામે શબ્દો ફેંકતો હતો તેથી મંગળા પ્રત્યે લોકોની સહાનુભૂતિ વધી પડી હતી, અને એ સહાનુભૂતિ સાથે માસ્તરને જ મંગળાની જિંદગી બરબાદ કરવા માટે સૌ દોષપાત્ર ઠરાવતા હતા.
ઝનૂને ચઢેલો શિવ હવે સારાસારનું ભાન ગુમાવી બેઠો હતો. તેણે ઝડપ મારીને મંગળાના હાથમાંથી પ્રસાદને ઝૂંટવી લીધો અને શિકારને મોંમાં પકડીને જેમ કૂતરુ દોડવા માંડે તેમ, શિવે પ્રસાદનું કાંડું પકડીને તેને ઢસડતો હોય એમ ઝડપથી ચાલવા માંડ્યું. ત્યારે પ્રસાદ કાળી રાડ પાડતો હતો. શિવના રાક્ષસી પંજામાંથી પોતાનું કાંડુ છોડાવવા તે ધમપછાડા કરતો હતો. મંગળા સામે જોઈને આક્રંદ કરતો હતો. અને મંગળા પણ પ્રસાદના આક્રંદથી બેબાકળી