‘હવે એ બધી વાતો મૂકી દઈને પ્રસાદની સલામતી માટે પણ તેને મંગળા પાસે રહેવા દે. તું ક્યાં અહીં રહે છે ? જુગારના અડ્ડામાં ક્યાંય પડી રહે છે ને નશામાં જીવે છે ત્યારે ઘેર આ કુમળા બાળકને કોણ સાચવે ?’ તુલસીએ તેને સમજાવવા માંડ્યું.
ને ટોળે વળેલા સ્ત્રીવૃંદે ટેકો દીધો. ‘તુલસીની વાત સાચી છે. વળી પ્રસાદ મંગળા સાથે હળી ગયો છે તો, ભલેને એની પાસે રહે તને શો વાંધો છે?’
‘એ કુલટા પાસે પ્રસાદને હું રહેવા દેવા માંગતો નથી !’ જવાબ દીધો ને કહ્યું, ‘ભલે પ્રસાદ મરી જતો !’
‘કુલટા?’ મંગળાને કુલટા કહીને સંબોધવા માંડી ત્યારથી તુલસીનો મિજાજ ગયો હતો.
તેણે આંખ ફાંગી કરીને શિવને કહ્યું, ‘જરા જીભ સાચવીને બોલજે શિવ ! મંગળાને કુલટા કહેનારનું લબોચું તોડી નાંખતાં મને વાર ન લાગે, પણ માસ્તરકાકાનું મોં આડે આવે છે !’
‘તો શું છે? ફરેબ કરીને મારા બાપને ફસાવ્યા ?’
‘ના, તારા બાપાને ફસાવ્યા નથી શિવ. તારા બાપે હાથે કરીને, જાણી જોઈને વખના ઘૂંટડા ભર્યાં હતા સમજ્યો ?’ તુલસીએ જવાબ દીધો ને તેની પાસે આવીને કહ્યું, ‘સીધો સીધો પ્રસાદને આપી દે, ને જો પ્રસાદ સમજણો થાય એટલે તું ખુશીથી આવીને લઈ જજે આ મારું વચન છે !’ એમ કહીને તેણે શિવનો હાથ ખેંચી તેની હથેળીમાં પોતાના હાથ મૂકતાં કહ્યું.
‘પણ પ્રસાદ મારી પાસે જ રહેશે !’ શિવ હજી પણ જીદ પકડી રહ્યો હતો. એ જોઈને હરખાકાકી પાછાં ચેતનમાં આવતાં હોય કે પછી તુલસીની હાજરીએ તેનામાં હિંમત પ્રેરી હોય, પણ તેઓ હવે શિવને બે શબ્દો કહેવાની હિંમત કરી શક્યા હતા.