લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
ખાખનાં પોયણાં
 

તેમણે કહ્યું, ‘હવે એને કઈ એની મા સાચવવાની છે ? માને જો વળી દીકરા પ્રત્યે હેત હોત અહીં શું ખોટું હતું ? ધણી જેલમાં ગયો, તો તે કાંઈ બધી જિંદગી તો જેલમાં પડી ન રહેત ને! પણ એને કાળા કામ કરવા હતા તે માસ્તરને કાળી ટીલી આપીને ગઈ.’

ત્યાં તો બીજી બાઈ પણ બોલી, ‘હાસ્તો મારી બૈ ! જો રૂખી જ રહી હોત તો માસ્તરને વળી મંગળા સાથે ઘર માંડવું જ શાને પડત ?’

બાઈના આ શબ્દોએ તુલસીના હૈયામાં દાહ પેદા કર્યો, પોતે તો જાણતો હતો કે માસ્તરે મંગળા સાથે ઘર માંડ્યું નથી અને અંતિમ પળે માસ્તર અને મંગળાએ જગત સમક્ષ સ્પષ્ટતા કરી દીધી હતી કે તે પતિ પત્ની નહિ પણ બાપ દીકરીના નાતે સાથે રહ્યા હતા. મંગળાના પેટમાં આકાર લઈ રહેલું સંતાન તો તુલસીનું પોતાનું જ હતું. ઘડીભર તે વિચારમાં પડી ગયો, ‘મારે એ વાત જાહેર કરવી જ જોઇશે.’

પણ હરખાકાકીએ તુલસીના મનનો વિચારતંતુ તોડ્યો: ‘તુલસી તું પ્રસાદને મંગળા પાસે લઈ જશે !’

‘હું લેવા જ આવ્યો છું ને કાકી !’ તુલસીએ જવાબ દીધો ને શિવ પાસેથી પ્રસાદને ઉઠાવી લીધો.

શિવ કાંઈ જ બોલી શક્યો નહિ, તુલસી સાથે ઝઘડો કરવાની તેની ઈચ્છા ન હતી અને જમા થયેલા નારી વૃંદનો ફીટકાર જીરવવા તે તૈયાર ન હતો. એટલે તેણે કશા જ વિરોધ વિના પ્રસાદને તુલસીના હાથમાં મૂકી દીધો. તુલસી પણ વગર ધાંધલે પ્રસાદનો પોતાને હવાલો મળ્યો તેથી હર્ષાન્વિત થઈને પ્રસાદને રમાડતો, બોલાવતો આગળ ચાલતો હતો; પણ શિવના મનમાં આ બનાવે