બંને જણા ડુસ્કા મૂકીને રડતા હતા. પ્રસાદ વચ્ચે પૂછતો હતો ‘દાદા ક્યાં ગયા ? મને મૂકીને કેટલા દિવસથી ગયા છે? મને સાથે કેમ ના લઈ ગયા ?’
ને ડૂસકા ભરતી મંગળાને વિનવતો હતો. એનો હાથ પકડી તેને ઊભી કરવા મથતો હતો. કહેતો ‘ઉઠને મંગળા, મારે અત્યારે જ દાદા પાસે જવું છે.’
કેટલાય દિવસથી મંગળાને મળવાની તક શોધતો તુલસી ત્યાં આવી પહોંચ્યો ને બંનેને આમ આંસુ સારતા જોઈને તેણે પ્રસાદને પૂછ્યું ‘શા માટે રડે છે ભાઈ પ્રસાદ !’
પ્રસાદે તુલસી સામે જોઈને જવાબ દીધો, ‘મંગળા મને દાદા પાસે નથી લઈ જતી’ ને પૂછ્યું ‘તમે મને દાદા પાસે લઈ જશો !’
નાનકડા પ્રસાદની કાલીઘેલી બોલીમાં કરુણા છલકાતી હતી. એનું હૈયું પણ દ્રવી ઊઠ્યું. તેણે પ્રસાદને પોતાની પાસે બોલાવી તેના માથે હાથ મૂકીને દિલાસો દેવા માંડ્યો. પૂછ્યું ‘તારે દાદા પાસે જવું છે ને?’
‘હા !’ પ્રસાદને વિશ્વાસ બેઠો કે તુલસી એને જરૂર દાદા પાસે લઈ જશે એટલે એણે પૂછ્યું પણ ખરું ‘તમે લઈ જશો ?’
‘હા તને લઈ જઈશ હોં ભાઈ!’ તુલસીએ બાલ માનસને સમજીને જવાબ દીધો ને કહ્યું ‘પણ તારે મંગળાને પજવવાની નહિ. ડાહ્યા થવાનું હોં!’
‘હોં !’ પ્રસાદે ડોકું હલાવીને અનુમતિ આપીને પૂછ્યું ‘દાદા ક્યાં ગયા છે? ખેતરમાં ?’
‘હા!’
‘તો સાંજે કેમ આવતા નથી ?’