તેં તો મારા માટે આ જંજાળ ઊભી કરી છે, હવે એમાંથી હું કેમ મુક્ત થઈ શકીશ તેની ચિંતા તું કરે છે ? મૂર્ખ ક્યાંનો ? તું મંગળાને અબળા સમજી બેઠો છું નહિ? તને મંગળાની દયા આવતી હશે નહિ ? પણ હવે એ બધું વ્યર્થ છે, હવે તું મારી ચિંંતા ન કરતો.’
ક્ષણ બે ક્ષણ તુલસી નત મસ્તકે બેસી રહ્યો, એનું દિલ પોતાની વાત કહી દેવા ઉતાવળું થતું હતું, પણું તુલસી ઊંચી નજર કરી શકતો ન હતો. મંગળાના મુખાર્વિંંદ પર તેજની જે આભા પથરાયેલી હતી તે આભાના તેજ તુલસી જીરવી શક્યો ન હતો. નીચી નજરે તે માત્ર આંસુ જ સારતો હતો.
તુલસીની નજર સામે જ, પોતાની નજરનું ત્રાટક કરીને મંગળા બેઠી હતી.
તુલસીની અત્યારની સ્થિતિ તેને પોતાને માટે પણ વિસ્મયજનક બની રહી હતી. શયતાનના દિલમાં પણ લાગણીઓ, ઊર્મિઓ ભરી પડી છે અને અવસર આવ્યે તે વેગથી ઉછાળા મારે છે ત્યારે ક્રૂર રીતે હિંસક લાગતો શયતાન પણ માનવી બની શકે છે, એવી શ્રદ્ધાનો ચમકારો મંગળાને તુલસીના અત્યારના દર્શનમાં થતો હતો, એમાં પણ જમીન પર ટપકતાં અશ્રુબિંદુઓ જોઈને મંગળાનું સ્ત્રી હૃદય હાલી ઊઠ્યું. ‘તુલસીની આંખમાં આંસુ શા માટે ? પોતાની હાલત માટે તે જવાબદાર છે એવું એને ભાન થવા પામ્યું છે શું? અને આ આંસુ તેના દિલમાં સળગી રહેલી પશ્ચાતાપની ભઠ્ઠીમાંથી બહાર આવી રહ્યા છે શું ?
તેણે સાશ્ચર્ય પૂછ્યું, ‘તુલસી ! તારી આંખમાં આંસુ ? એક નિરાધાર નારીની હાલત જોતા તારા દિલમાં પડેલા પથ્થરો પણ શું પીગળી રહ્યા ?’