પછી તે છટકી ગયો એટલે માસ્તરે પોતાના મિત્રની દીકરીને ખોળામાં લીધી.'
‘હાશ !' મંગળાએ શ્વાસ હેઠો મૂક્યો; માથા પરનો ઘણો મોટો બોજ જેમ એકાએક ઉતરી જતાં બોજ ઉઠાવનારો છૂટકારાનો શ્વાસ ખેંચે તેમ, મંગળાએ પણ શ્વાસ મૂક્યો. એના દિલમાં આનંદની રેખા પ્રકાશી રહી.
ત્યારે તુલસી પાછો પોતાની વાત પર જ આવતો હતો, તેણે કહ્યું, ‘માટે જ કહું છું મંગળા ! આપણો માર્ગ સરળ થઈ ગયો છે !'
‘તુલસી, તું કહે છે તે સાચું છે. હું પણ એમ જ ઇચ્છતી હતી કે માસ્તરને વિષેની ગેરસમજ દૂર થાય અને તેમના મૃત્યુ પછી પણ લોકો જાણે કે માસ્તર તો જીવનને ખાખમાં મેળવીને પોયણાં શા બની ગયા, જો એટલું પણ થઈ શક્યું હોય તો હું મારું જીવન કૃતાર્થ થયેલું ગણીશ !'
મંગળાના વદન પરની વિષાદ છાયા ઊડી ગઈ હતી, એના મોં પર પ્રસન્નતા છવાઈ હતી, સંતોષનો આનંદ વ્યાપી રહ્યો હતો.
અને તુલસીને વિદાય આપીને, આ આનંદ મનોમન લૂંટવા તે એકાંતમાં રહેવા માંગતી હતી તેથી તે ઊભી થઈ અને તુલસીને કહ્યું, ‘તુલસી ! સ્વપ્નાં તૂટી ગયા પછી ફરીથી પ્રયત્નો કરવા છતાં તે કદી મનોપ્રદેશ પર ઊપસી આવતા નથી, તારા સ્વપ્નો પણ તૂટી ગયા છે, મારે માટે તો હવે કોઈ સ્વપ્નાં જ રહ્યાં નથી.'
ને પછી કહ્યું કે, ‘જા, તો લલ્લુકાકાને સંદેશો પહોંચાડી આવ !'
અતિ પ્રયત્ને તુલસી ઊભો થતો હતો, એના અંગમાં જાણે દુર્બળતા વ્યાપી ગઈ હતી, બારણાના ટેકે ઊભા થઈને તેણે ઊંબરો ઓળંગતા છેલ્લી વાર આજીજી કરી, ‘મંગળા ! ભલી થઈને મારી વાત માની જા ! નહિ તો હું...'