મંગળા તુલસીના અધૂરા રહેલા વાક્યને સમજી જતાં હેબતાઈ ગઈ! તેણે તુલસીની સહેજ પાસે આવીને કહ્યું, ‘તુલસી પાપનું પ્રાયશ્ચિત તું માને છે તેમ મંગળાને તારી પત્ની બનાવે અને લોકો સમક્ષ જાહેર કરે કે મંગળાનુ બાળક મારું છે એમ કરવાથી જ થઈ શકે એ સાચું નથી. પ્રાયશ્ચિત તો એક એવો અગ્નિ છે કે જેમાં શેકાઈને માનવ દાનવ મટીને દેવ બની શકે છે !'
તુલસીના ખિન્ન બનેલા વદન સામે જોઈને મુખ મલકાવવાનો પ્રયત્ન કરતાં મંગળા બોલી, ‘હું ઇચ્છું છું કે તુલસી દાનવ મટી ગયો છે તો હવે દેવ બને !’
અને તરત જ તેણે પ્રસાદને ઊંચકીને, તેની સામે જોઈને પૂછ્યું, ‘પ્રસાદ તું પણ તારા દાદા જેવો દેવ બનીશને દીકરા ?'
પ્રસાદ મંગળાના કંઠમાં પોતાના બે નાજુક હાથની માળા પરોવીને વળગી પડ્યો.
મંગળા પ્રસાદને ચૂમીઓથી ભીંજાવી રહી હતી.
ત્યારે ચેતન ગુમાવી બેઠેલા પૂતળા શો તુલસી મંગળાનો ઊંબરો ઓળંગી બહાર પરસાળમાં પગ દેતા પછેડીથી આંખો સાફ કરતો હતો.
બારણાની ઓથે ઊભી રહેલી મંગળા તેને કહેતી હતી, ‘લલ્લુકાકા સાથે તું પણ આવજે તુલસી ! મારે હવે તારો જ સહારો છે ને?'
તુલસીએ પાછું ફરીને મંગળા સામે જોયું. ત્યારે મંગળાની આંખમાં નિર્મળ સ્નેહની સરવાણી ફુટતી જણાતી હતી.
તુલસીના તૂટી ગયેલા હૈયામાં એ સરવાણી નવો ઉત્સાહ જગાવતી હોય એમ તેણે કહ્યું, ‘હો , હમણાં જ આવું છું.'