‘ચોમાસા પહેલાં જ માસ્તરના ખેતરો શિવના નામે થઈ જવા જોઈએ તુલસી !' અને કરૂણા મિશ્રિત સ્વરે બોલી, ‘લલ્લુકાકાને તું મારા વતી સમજાવ ! મને શિવના હક્કનો એક દાણો પણ જોઈતો નથી, મારા હક્કનું મને મળી રહેશે.'
‘પણ હવે અત્યારે એ બધી ચિંતા શા માટે કરે છે મંગળા ?’ ઝવેરે મંગળાને સલાહ આપીને કહ્યું, ‘આટલા દિવસ રહ્યું તે બે ચાર મહિના આમ કે તેમ ? તું પણ કયાં પારકી છે!'
‘કાકી!' હાથમાંનો કોળિયો મોંમાં મૂકીને ગળેથી ઉતારી દઈ પાણી પી રહ્યા પછી મંગળા થોડી સ્વસ્થ બની હતી. છતાં દુઃખ તો અવારનવાર થતું ત્યારે એનુ મોં બગડી જતું.
તેણે કહ્યું, ‘કાલે શું છે ને શું નહિ? મારે એ લપ શા માટે જોઈએ?' અને ખાટલામાં આડા પડતાં તેણે કહ્યું, ‘કાકી માસ્તરના ઉપકારનો તો બદલો વાળી શકાય તેમ નથી, પણ માસ્તરની મિલકત પર મારો કશો જ અધિકાર નથી. એ વાત હું સ્પષ્ટપણે કહી દેવા માંગું છું.'
‘ભલે એમ કરજે !' ઝવેર અત્યારની નાજુક પળે મંગળાને ઉશ્કેરવા માંગતી ન હતી, એટલે તેણે વાત ટાળવાને ઈરાદે કહ્યું ને બહાર ઊભેલા તુલસીને કહ્યું, ‘તુલસી લલ્લુકાકાને સમજાવીને મંગળાની ઈચ્છા પ્રમાણે તેઓ બધું કરે તેમ કરજે તો બેટા !'
‘વારુ મા!' તુલસીએ માની સલાહનો સ્વીકાર કરી લીધો અને હળવે પગલે વિદાય થયો.
આખો દિવસ ઝવેર મંગળા પાસે જ બેસી રહી. જેમ જેમ દિવસ પસાર થતો જતો હતો તેમ તેમ મંગળાની હાલત બગડતી જતી હતી એનો છૂટકારો થવાનો વેગ વધતો હતો.
તુલસીએ જતાં જતાં ઝવેરને કહ્યું હતું, ‘મા પડખે જ રહેજે. એને એકલવાયાપણું ન લાગે તે જોજે !'