લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાત ચગડોળે ચઢી
૨૯૫
 

મંગળા સાથે પોતાને કશો જ નાતો નથી. એમ માનીને તેનું મન દોડતું હતુ : પણ ત્યાં તો પ્રસાદ દોડતો દોડતો આવ્યો: ૫૨સાળમાં પગ દેતાં જ બોલ્યો, ‘મંગળા રડે છે ! ’

અને મંગળાના સ્થાને પ્રસાદ જ રડવા લાગ્યો, એને રડતો જોઈ તુલસી એકદમ ઊભો થયો. એને ઊંચકી લઈ બાથમાં લેતાં પૂછવા લાગ્યો, ‘મંગળા રડે છે કેમ ?'

રડતાં રડતાં પ્રસાદે કહ્યું, ‘મને ખબર નથી.’

‘મા !' પ્રસાદના આંસુ તુલસીના હૈયાને ભીંજવી રહ્યા. તેણે ઝવેરને કહ્યું, ‘જો તો મંગળા રડે છે, શા માટે?'

ઝવેરનું મન દ્વિધામાં અટવાયું હતું : કાંઈ નિર્ણય તે કરી શકે તે પહેલાં તો તુલસીના ક્રોધ ભભૂકી ઊઠ્યો: બોલ્યો ‘હજી સાંભળતી જ નથી! પેલીને એકલી મૂકીને આવી છું તે ક્યારની તપાસ કરવા પણ જતી નથી ! રડી રડીને મરી જશે ત્યારે જઈશ ?'

ઝવેર ઊભી થઈ : મંગળા માટે પોતે જે લેવા આવી હતી તે યાદ કરીને તેણે ઘરમાંથી બધું ભેગું કર્યું. ને બોલ્યા ચાલ્યા વિના જ ચાલતી થઈ. અને તેની પાછળ જ પ્રસાદને લઈને તુલસી પણ મંગળાને ત્યાં જવા લાગ્યો.

રસ્તામાં તેણે પ્રસાદને પૂછ્યું, ‘તને રમવા માટે મંગળા એક છોકરાને લઈ આવી ખરું ને?'

પ્રસાદનું રડતુ મોં હસી ઊઠ્યું ને તુલસીને કહેવા લાગ્યો, ‘મંગળા એને લઈને ખાટલામાં સૂતી છે અને મને...'

વળી પાછું એનુ મોં વિલાઈ ગયું : ઓશિયાળો બની ગયો હોય એમ તુલસી સામે જોઈ રહ્યો ને પછી કહેવા લાગ્યો, ‘મને ખાટલા પાસે નથી જવા દેતી !'

‘તેમાં શું ?' તુલસીએ પ્રસાદને દિલાસો દેવા માંડ્યો ને તેની