નિરાશા ખંખેરી નાંખતો હોય એમ કહેવા લાગ્યો, ‘તું મારી સાથે રમજે અને આપણે બંને સાથે જ સૂઈ જઈશું!'
‘ને મંગળા ?'
‘મંગળા તો હમણા બીમાર છે ને એટલે જુદી સૂઈ રહેશે !’
‘તે બીમાર કેમ પડી? નાનાભાઇને લેવા ગઈ તેમાં ?' પ્રસાદના અજ્ઞાન મૂલ્ક પ્રશ્નથી તુલસી હસી પડ્યો ને કહ્યું, ‘હા, ઘણે દૂરથી લઈ આવીને, એટલે થાક લાગે ને?'
‘રાત્રે ગઈ હતી ?’
‘હાસ્તો !' તુલસીએ હર્ષાવેશમાં પ્રસાદને હૈયા સરસો ચાંપ્યો. બંને જણા મંગળાની ઓસરીમાં બેઠા હતા. ત્યારે ઝવેર અંદરના ભાગમાં મંગળાની સારવારમાં હતી.
‘ઝવેર કાકી!' મંગળાના શબ્દો તુલસીના કાને પડ્યા; ઝવેરને ઉદ્દેશીને તે કહેતી, ‘તમે ન હોત તો મારું શું થાત? મધરાતે દિવાળીને કોણ બોલાવા જાત અને આ બધી તરખટ કોણ કરત ?'
ત્યારે પ્રત્યુત્તરમાં ઝવેર કહેતી, ‘હું ન કરું તો કોણ કરે મંગળા તારું ? તારી મા સાથેના મારા સબંધ કાંઈ જેવા તેવા હતા. જીવકોર જેવી બાઈ આપણી નાતમાં થવાની નથી તો! ’
ને વળી પાછી બોલી, ‘હું તો ઠીક પણ આ તુલસીને તારા પર ભારે દયા આવે છે. આખી રાત મટકું માર્યા વિના તારી હાલત જાણવા જાગતો રહ્યો ને હમણાં તારી પાસે આવતાં મને થોડીક વાર થઈ ત્યાં તો મારી પર તાડુકી ઊઠ્યો.'
અને હૈયાના ખૂણામાં રહેલી શંકાને વ્યક્ત કર્યા વિના જ તેણે કહ્યું, ‘કોણ જાણે ક્યા ભવના સંબંધો હશે ?'
ત્યારે મંગળાનુ અંતર બોલી ઊઠ્યું હશે, ‘ઝવેર કાકી કયા ભવના ન પુછો, આ ભવના જ સબંધો છે. તમે જાણતા નથી એટલે જ સ્તો, પણ તુલસી જાણે છે ને?'