હતો અને કદાચ વાગ યુદ્ધનો એકાદ દાવ પણ ખેલાઈ જાત ત્યાં અત્યારે નીરવતા છવાયેલી હતી. શાંતિ ગંભીરતાની સોડ તાણીને સૂતી હતી : ખાટલામાં પડી પડી મંગળાનુ મનોમંથન ચાલતુ હતું. ઘડીમાં તે પોતાની પડખે જ સૂતેલા, પોતાના પેટના જણ્યા સામે જોતી અને પછી એની બંધ આંખો સમક્ષ બળપૂર્વક તુલસીની પ્રતિમાને ઉભી કરતી અને મનેમન બન્નેની આકૃતિ અંગે તુલના કરતી હતી. ‘હા નાક મોંનો સિક્કો તુલસી જેવો છે પણ…'
એની પાસે બચાવ કરવાની કોઈ દલીલ ન હતી. લોકો જાણતા ન હતા પણ, પોતે તો જાણતી હતી તે કે આ રતન તુલસીના અત્યાચારનું પરિણામ છે. માસ્તરની કોઈ છાંટ આ રતનમાં વ્યક્ત થતી ન હતી. છતાં લોક દૃષ્ટિએ તો માસ્તર જ એના બાપ છે ને ?
અને મનોમંથનથી મૂંઝાયેલી મંગળાએ પડખું ફેરવી લીધું.
ત્યારે ઝવેર પણ હવે આ વાતનો તાગ લેવા માંગતી હતી. મંગળા પ્રત્યે તુલસીનો જે ભાવ વધી રહ્યો હતા તેનો, અત્યાર સુધી મંગળાની નિરાધાર હાલત પ્રત્યેની હમદર્દી માની રહેલી ઝવેરના મનમાં પણ શંકાનો કીડો સળવળતો હતો. પણ જવાબદાર કોણ એ નક્કી કરી શકતી ન હતી. ‘જો મંગળા જ જવાબદાર હોય તો જીવકોરે પોતાની વાત શા માટે ન સ્વીકારી અને પોતાનું અપમાન કર્યુંં? જો તુલસીનું પાપ હોય તો મંગળાએ શા માટે તુલસીનું જ ઘર માંડવાનું પગલું ન લીધું ? ત્યારે તુલસી એનો સ્વીકાર કરવા તૈયાર નહોતો શું ? જો એમ હતું તો જીવકોર શા માટે પોતાને કહેવા ન આવી ? ’
આમ ઝવેરના મનમાં તરંગો ઊઠતા હતા, અને એના અંતરમાંથી જ તેના જવાબો મળતા હતા.
‘જીવકોર, જો તુલસીના અપકૃત્ય અંગે તારી સમક્ષ રાડ નાંખવા આવી હોત તો તું એના ઉધડો જ ન લેત કે? તારા