લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
ખાખનાં પોયણાં
 

પ્રસાદને નજર દ્વારા પોતાના હૈયામાં એવી રીતે સ્થાન આપવા માંગતી હતી કે તેના પેટનો દીકરો પણ એ સ્થાન પરથી પ્રસાદને દૂર હડસેલી શકે જ નહિ.

ઝવેર હવે નિરાંતે પોતાને ત્યાં જવા તૈયાર થઈ હતી. સાંજના વાળુની તૈયારી કરવાની હતી : તુલસીની પણ એને ચિંતા હતી. તેણે મંગળાને કહ્યું ‘મંગળા હું ઘેર જઈને વાળુ તૈયાર કરું !’ ને મંગળા તેને રજા આપે તે પહેલાં પ્રસાદને લઈ જતાં કહ્યું ‘ચાલ તો પ્રસાદ મારી સાથે આવવું છે ને ?’

‘ભલે ને અહીં રહ્યો !' મંગળા પ્રસાદને પોતાની નજરમાં રાખવા માગતી હતી એટલે તેણે કહ્યું ‘અહીં રમશે અને મને એકલીને પણ સહવાસ મળશે.’

‘ભલે' એમ કહીને ઝવેર મંગળાનો ઉંબરો છોડીને બહાર આવી ત્યાં તુલસીને આવતો જોયો ને ઝવેર અટકી : પૂછ્યું ‘કેમ તુલસી ? આમ થઈ ગયો છું? શરીર તો સારું છે ને?'

‘હા મા !' જિંદગી હારી ગયેલો કોઈ જીવનનો જુગારી છેલ્લા પાસાં નિષ્ફળ ગયા પછી હતાશ થઈ જાય તેમ તુલસી હતાશ થઇ ગયો હતો. ઓસરીમાં પડેલા ખાટલામાં તે લમણે હાથ દઇને બેઠો.

તુલસીનું આવું સ્વરૂપ જોતાં ઝવેરનાં દિલમાં ચિંતા જાગી. તેણે તુલસીના દેહ પર હાથ મૂક્યો પણ દેહમાં તાવનાં કોઈ ચિહ્નો જણાતાં ન હતા. એના કપોલ પ્રદેશ પર હાથ મૂકી જોતાં એ પણ ઠંડુ હતું.

‘આમ કેમ થઈ ગયો છે તુલસી ?' ઝવેર ચિંતા કરતાં બોલી ને પૂછવા લાગી, ‘કંઈ અઘટિત બન્યું છે ? કોઈ સાથે ઝઘડો થયો છે ? શું થયું છે તે આવો બેબાકળો થઈ ગયો છે, કહે તો ?'

આમ બોલતાં બોલતાં ઝવેરનું હૈયું દ્રવી ઊઠ્યું એનું માતૃ દિલ