ભરાઈ આવ્યું. તુલસીના મસ્તકને પોતાના હૈયા સરસું ચાંપતાં તેણે ભરાયેલા કંઠે ફરીને પૂછ્યું, ‘તુલસી મને કહેતો ખરો, મને કહેતો ખરો કે શું થયું છે ?'
ઝવેરના મનમાં શંકા હતી : ફળિયામાંની કોઈ બાઈએ તેને દોષિત ઠરાવ્યો હશે ? કોઈએ કહ્યું હશે કે મંગળાના દીકરાનું મોં જાણે તારા જેવું જ છે તુલસી, હો ?
ને એનું મન ફરીને વિચારના ચગડાળે ઘૂમવા લાગ્યું, જે સંતાપ તેણે દુર કર્યો હતો. હરખાકાકીના શબ્દોએ તેના દિલને આશ્વાસન દીધું હતું. તે પોતે પણ મન મક્કમ કરી રહી હતી એ બધું એકાદ ક્ષણમાં જ નષ્ટપ્રાય થયું. ને ફરીને ઝવેરના મનમાં એ જ પ્રશ્ન ઊઠ્યો.
‘મા !' તુલસી ઊભો થયો ને બારણું ખોલીને મંગળા જ્યાં સુતી હતી ત્યાં ધસી ગયો. એની પાછળ ઝવેર પણ એટલી જ ઉતાવળથી ધસી રહી હતી.
‘હાં હાં તુલસી? ત્યાં ન જવાય, મંગળા સુવાવડી છે એનું પણ તને ભાન છે કે નહિ ?'
પણ તુલસી બેબાકળો બની ગયો હતો. ઝવેર તેને અટકાવે તે પહેલાં તો તે મંગળાના ખાટલા પાસે પહોંચી ગયો હતો, તુલસીને એવી ઉશ્કેરાયેલી હાલતમાં જોતાં મંગળાને પણ ફાળ પડી અને એકદમ તે બેઠી થઈ ગઈ. ભયગ્રસ્ત મંગળાની આંખો આકળ વિકળ ઘૂમવા લાગી.
તેણે પૂછ્યું ‘તુલસો ? અહીંં કેમ આવ્યો છે ?'
પણ તુલસી હવે જવાબ દેવા માંગતો ન હતો. ખાટલામાં પડેલા મંગળાના નવજાત શિશુ સામે ક્ષણ બેક્ષણ પ્રેમભરી દૃષ્ટિ માંડી રહ્યો. એની પડખે જ ઝવેર ઉભી હતી. એના મનને પ્રતિતી થઈ