કહ્યું ને ઉમેર્યું ‘દીકરાને છેલ્લીવાર જોવાના કોડ જાગ્યા છે તને ?’ અને તેણે થોડોક શ્વાસ લઈને પછી પોતાની પાછળ છુપાઈ ગયેલા પ્રસાદને માથે હાથ ફેરવતા બોલી ‘આ પ્રસાદ જાતે જ તારાથી કેવો ડરીને સંતાઈ ગયો છે ? એને માટે તો તું જીવતા રાક્ષસ જેવો છું !’
વધુ બોલવાના કારણે અને ક્રોધાવેશમાં આવી જવાના પરિણામે મંગળા શ્રમિત થઈ ગઈ હતી. તેણે ખાટલામાં પડતું નાખ્યું. આંખો મીંચી દીધી. હોઠ પર સખ્તાઈ વ્યક્ત થઈ હતી.
‘મંગળા !’ શિવના મોંમાં રહેલી જીવ્હા હવે સરવરાટ કરતી હોય એમ જણાયું. તેણે કહ્યું. ‘તારે જે કાંઈ કહેવું હાય તે કહે, હું અપરાધી છું... પિતાજીનો મેં પ્રાણ લીધો છે અને પ્રસાદને માટે હું ઘાતકી બની રહ્યો છું એ સાવ સાચું છે.’
‘પણ રૂખીનું ખૂન શા માટે કર્યું ?’ તુલસી એ જાણવા માંગતો હતો, તે શિવની જીવ્હાનો સળવળાટ શરૂ થતાં જ પૂછી બેઠો.
‘ખૂન ન કરું તો શું કરું ?’ શિવે પોતાનું મસ્તક ઊંચું કર્યુંં અને તુલસી સામે જોઈને બોલ્યો, એની આંખોમાં ખૂન્નસ ઉભરાતું હતું. તેણે કહ્યું. ‘રૂખી જ મારા ને મારા પિતાના જીવનની બરબાદીનું કારણ છે ને? શાસ્રીજીની દીકરી પોતાના ઘરમાં વહુ થઈને આવે છે તેને પોતાનું પરમ સૌભાગ્ય માનતાં ભોળા દિલના પિતાજીએ શાસ્ત્રીજીની દીકરી વિષે કશી જ તપાસ કરવાની પરવા કરી જ નહીં ને? એનું જ આ પરિણામ છે. પિતાજી અકાળે મૃત્યુ પામ્યા અને હું પણ ફાંસીએ લટકીને જીવનનો અંત લાવીશ. ને રૂખી પણ મારા હાથે જ રામશરણ થઈ.’
શિવના શબ્દોમાં પોતાના કૃત્ય માટે પસ્તાવાનો રણકો ન હતો. રૂખીનું ખૂન જાણે ઈરાદાપૂર્વક ઠંડે કલેજે કર્યુંં હોય, ને તેના