લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
ખાખનાં પોયણાં
 

પરિણામો ભોગવતા તેને કોઈ પણ જાતનું દુઃખ જ ન થતું હોય એમ, તે સ્થિરતાપૂર્વક કહી રહ્યો હતો.

તેણે કહ્યું ‘મને પસ્તાવો માત્ર મંગળા પ્રત્યે મેં જે કઠોર વર્તન ચલાવ્યું હતું, તેનો જ થાય છે.’

‘ને તારા દીકરાની તને ચિંંતા નથી ?’

‘ના; પ્રસાદ મારો દીકરો જ ક્યાં છે? મંગળાનો દીકરો છે ! એના માને બાપ તો કુલાંગાર હતા. સારું થયું કે મંગળાએ તેને હૈયા સરસો ચાંપ્યો, તે હવે મારા જેવો અકરમી ને દુષ્ટ નહિ નીવડે !’

ને તેણે લોહ શૃંખલામાં જકડાયેલા પોતાના બન્ને હાથને ભેગા કરી, મંગળા સામે જોઈને પગે લાગતા કહ્યું ‘મંગળા ! મારી મા ! મારા કૃત્ય માટે મને ક્ષમા કર ! મૃત્યુ પામતા પહેલાં તારી દયામય આંખોમાંથી મારા પર દયાનો ઝરો વહાવ ને મારું મૃત્યુ ધન્ય બનવા દે !’

શિવની આંખમાંથી ખરેખર અશ્રુધારા વહી રહી હતી, ખાટલામાં બેઠેલી મંગળાની આંખમાંથી પણ આંસુ વહેતાં હતાં, ત્યારે તુલસી તો શિવને જોઈ રહ્યો હતો.

પોલીસના બંધનમાં જકડાયેલા શિવને જોવા આખું ફળિયું ઉમટી પડ્યું. ઘેર ઘેરથી સૌ કોઈ બહાર નીકળી આવ્યા હતા. જેઓ ઘરમાં હતા તેમને પણ પાડોશી હોંશે હોંશે વાવડ પહોંચાડતાં હતા. ‘માસ્તરના દીકરાને પોલીસે પકડ્યો છે.’

ને તમાશાને તેડાં શાં? માસ્તર જેવી ગામની સૌની સન્માનીય વ્યક્તિના દીકરાના ફજેતા જોવામાં અંતરાય શા? જોત જોતામાં મંગળાની ઓસરી સ્ત્રી પુરુષોથી છલકાઈ ગઈ. શિવ સૌની સામે જોતો હતો અને હસી હસીને સૌના ખબર અંતર પૂછતો હતો ત્યારે લોકો મનમાં જ કહેતા ‘નફ્ફટાઈની કોઈ હદ છે?’