લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
ખાખનાં પોયણાં
 

રૂખી સામે જોયું, એના દેહમાંથી વહી જતું લોહી એની આંખોમાંથી વહેતી અશ્રુસરિતા કે તેનું કલ્પાન્ત શિવના હૈયાને સ્પર્શી શકતાં ન હતાં. તેણે રોષમાં જ રૂખીના દેહને એક પાટુ લગાવી દીધું ને કહ્યું ‘કમજાત ! તારા લક્ષણ હું પહેલેથી જાણતો હતો પણ પિતાજી મારી વાત માનતા ન હતા.’ અને બીજી લાત લગાવતા કહ્યું, ‘અમરા જોડે નાતરું જ કરી લેવું હતું ને ! તારા બાપનું નાક તો કપાત !’

રૂખી પાસે હવે ઝાઝો સમય ન હતો, શિવે કરેલો ઘા એના મૃત્યુને માટે‚ નિશ્ચિત બની ચૂક્યો હતો, દેહમાંથી લોહી ઘણું વહી રહ્યું હતુ, એણે આંખો બંધ કરી દીધી અને બે ત્રણ આંચકી સાથે તેનો પ્રાણ પંખેરું ઉડી ગયો, એનો નશ્વર દેહ પર્ણકુટીમાં પડી રહ્યો.

શિવે રૂખીના મૃત દેહને પણ ગુસ્સામાં એક લાત મારી અને ઉતાવળો ખેતરમાંથી બહાર નીકળી ગયો. થોડેક દૂર ગયા પછી એના મનમાં વિચારો ઉદ્‌ભવ્યા. નાસી ગયેલો અમરો પોલીસને બાતમી આપશે અને પોલીસ પોતાની શોધમાં ગામમાં જઈને મંગળાને ધમકાવશે.

મંગળાની સ્મૃતિ સહસા એના સ્મરણપટમાં ઉપસી આવી અને પોતે મંગળા પ્રત્યે કરેલા અનિષ્ટ વર્તાવ માટે પસ્તાવો થયો. સાથે જ પોલીસ મંગળાને પરેશાન કરશે એવી કલ્પનાથી એનું મન વિવશ બની ગયું. તેણે મંંગળાને હવે દુઃખી નહિ કરવાનો મન સાથે જ નિશ્ચય કર્યો હતો, એટલે તેણે અમરો જઈને પોલીસને બાતમી આપે ને પોલીસ પોતાની શોધમાં દોડદોડ કરે તે પહેલાં પોતે જ શા માટે પોલીસ પાસે જઈને એકરાર ન કરે? અત્યારે તે છટકી શકે તેમ છે, પણ સત્તાવાળાઓના લાંબા હાથ તેને પાતાળમાંથી પણ શોધી કાઢી શકે તેમ છે એની એને ખાત્રી હતી. એટલે રખડીરખડીને કૂતરાને મોતે મરવું એના કરતાં હસતાં હસતાં ફાંસીનું દોરડું ગળામાં નાંખીને અપરાધોના જવાબ દેવા ભગવાન સમક્ષ ઉપસ્થિત થવુંં એમાં પણ