બેઠી અને તેણે જમાદારને કહ્યું, ‘આરોપીને પૂરતા બંદોબસ્ત સાથે તે કહે ત્યાં લઈ જાવ, તે નાસી જવાનો નથી એનો મને વિશ્વાસ છે, છતાં તમે સાવધ રહેજો.’
‘ભલે સાહેબ!’ જમાદારે સલામ કરીને કહ્યું ને ચાર પોલીસ સાથે શિવને લોહ શૃંખલા અને હાથે દોરડા બાંધીને મંગળા સમક્ષ લઈને ઉપસ્થિત થયા. શિવે પોતાના ગુન્હાનો તો એકરાર કર્યો એના જીવનની છેલ્લી ઝંખના એક જ હતી, ‘મંગળા પોતાને ઉદાર દિલે માફી આપે તો પોતે શાંતિથી મૃત્યુ પામશે.’
તેણે ફરીને મંગળા તરફ દયા યાચતી દૃષ્ટિ કરતા કહ્યું, ‘મંગળા ! મારી મા ! તું જ મારી સાચી જનેતા છો. તને મેં દુભવી છે, તારી પ્રત્યે મેંં અમાનુષી વર્તાવ કર્યો છે, છતાં તેં મારા દીકરાના જતન કર્યા છે. પિતાજીએ પ્રસાદ તને સોંપ્યો છે એટલે મને એની ચિંતા નથી. દૂરથી તું એનું મોં મને જોવા દે, મારી આંખો તેને જોવા ઝંખે છે.’
બોલતાં બોલતાં તે ચોધાર આંસુ વહાવતો હતો, ત્યારે ખાટલામાં બેઠી બેઠી મંગળા પણ આંસુ વહાવતી હતી. શિવને જોતાં જ ભયગ્રસ્ત પ્રસાદ મંગળાની પાછળ લપાઈ ગયો હતો. તેને મંગળાએ ઊંચક્યો. અશક્તિ છતાં વહાલ ભર્યા હાથે તેને પોતાના ખોળામાં બેસાડ્યો ને કહ્યું, ‘પ્રસાદ ! તારા મોટાભાઈને બે હાથ જોડીને વંદન તો કર ભાઈ!’ અને તેણે જાતે જ પ્રસાદના બે હાથ ભેગા કર્યાં. પ્રસાદે વિના વિરોધે માથુ નમાવ્યું.
‘ચાલો ! ઊઠો તો !’ જમાદાર ઊભો થયો. પોલીસો પણ આગળ આવ્યા ને શિવનો હવાલો સંભાળ્યો.
શિવ હજી તો મંગળા સામે જોઈ રહ્યો હતો. એની નજર પૂછતી હતી ‘મંગળા તેં મને માફ કર્યો ?’