છુટકો એવા નિર્ણય સાથે તેણે હરખાકાકીને પોતાની વાતનું સમર્થન કરતો પૂરાવો દીધો :
‘ગઈ કાલે જ તુલસીએ મગન શેઠ સાથે સોદો નક્કી કર્યો છે. બે હજારમાં’ પેલી બાઈએ કહ્યું.
‘શું કહે છે? વાત ત્યાં સુધી પહોંચી છે ?’ હવે હરખાકાકીને વાત માન્યા વિના આરો જ ન હતો; પોતાના લબડી ગયેલા ચામડીવાળા ગાલ પર આંગળી મૂકીને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું.
‘હા ! વાત નક્કી છે.’
હરખાકાકીએ વલોપાત કરવા માંડ્યો. ‘કરમ ફૂટલીને આ શું સૂઝ્યું છે ? શિવ કપાતર નીકળ્યો, તે એના લાગ્યા એ ભોગવે, એટલા માટે કાંઈ ખેતર વેચાય છે ?’
હરખાકાકીનો જીવ ઉતાવળો થઈ રહ્યો હતો, મંગળાને ઠપકો દેવા અને આંબાવાડીયું વેચતા અટકાવવા તેઓ મંગળા પાસે જવા અધીરા બની ગયા હતા. પણ એમની શારીરિક સ્થિતિ એમને અટકાવતી હતી.
છતાં લાકડીના ટેકે ટેકે, હળવે હળવે તે મંગળાને ત્યાં જઈ પહોંચ્યાં ને ઓસરીમાં પગ મૂકતાં જ દિવસો થયા હૈયામાં જે ભાર હતો તે ભાર બહાર ઠાલવવા માંડ્યો,
મગળાએ હસતાં મોંએ તેમને આવકાર આપ્યો ને એમને સારું લગાડવા કહ્યું ‘તમે તે મારા વહાલેસરી જ છો ને કાકી ? તમારા પેટમાં મારૂં ન બળે એમ તો કેમ કહેવાય ?’
હરખાકાકીને પણ મંગળાના વેણ મીઠા લાગ્યા ને હવે પોતે મંગળાના કેટલા બધા હિતેચ્છી છે એ બતાવતા હોય એમ કહેવા લાગ્યા ‘જોજે કશાં ગાંડપણ કરતી ? શિવના લાગ્યા શિવ ભોગવે એવા કુડા કામ કર્યા ત્યારે મોતને ઘાટ ગયોને ?’