લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૪
ખાખનાં પોયણાં
 

મંગળાએ મનને દૃઢ કર્યું. લલ્લુકાકાનાં ડૂસકાં હળવાં થયાં. એમની આંખો રડી રડીને રક્તવર્ણી બની ગઈ હતી. મંગળા સામે નિરાશ વદને તેઓ લમણા પર હાથ દઈને બેઠા હતા. જાણે મંગળાને માપતા હોય.

મગળાએ કહ્યું, ‘કાકા ! તમારી વાત સાવ સાચી છે. આંબાવાડિયું ઘેર હોત તો મારા દિવસો પણ ટૂંકા થાત અને પ્રસાદને સારી રીતે ભણાવી પણ શકાત.’

‘હા દીકરી હું પણ એમ જ માનતો હતો !’ વચ્ચે જ લલ્લુકાકા બોલી ઊઠ્યા ને પાછો ઠૂંઠવો મૂકતાં કહ્યું, ‘ગજબ થયો છે, મંગળા ગજબ થયો !’

મંગળાએ લલ્લુકાકાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો ને કહ્યું, ‘કાકા! મારી અને બાળકોની ચિંતા કરતાં કરતાં માસ્તરે પણ લાંબી સોડ તાણી, એ ચિંતા એમને કામ ન આવી, ભગવાનને ભરોસે મૂકીને તેમને જવું જ પડ્યું ને?’

‘ભગવાનના ઘરનું તેડું થાય ત્યારે ક્ષણનો પણ વાયદો ચાલે છે મારા બાપ?’

‘તો પછી ભવિષ્યની ચિંતા પણ માસ્તર જેને ભળાવીને ગયા છે તે ભગવાનને જ માથે છો રહી.’

‘છતાં આંબાવાડિયું હોત તો.’

‘હા, એ તો હું પણ સમજુ છું પણ, શિવ અત્યારે જે આફતમાં છે તે આફતમાં તેને આંબાવાડિયું મદદગાર ન થાય તો, આંબાવાડિયાને જાળવીને શું કરવાનું છે ? શિવ જો કાલે છૂટશે તો આવા આંબાવાડિયા તે પોતાના પુરુષાર્થથી નવાં વસાવશે,’ મંગળાએ કહ્યું ને ઉમેયું, ‘કાકા ! તમે મને સારી રીતે ઓળખો છો. મારા બાપના