લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
ખાખનાં પોયણાં
 

તેમણે જરા જોશમાં આવીને પ્રશ્ન કર્યો, ‘મંગળા, તું કેમ મૂંગી રહી? શા માટે તેં જીવકોરને ના પાડી ન દીધી કહે તો ?'

મંગળા સમજતી હતી. પોતે જો મૂંગી રહી નહોત તો, મા આવડો મોટો અન્યાય કરી શકત નહિ, પણ પોતાના મોં પર તાળું લાગી ગયું હતું. પોતે કાંઈજ બોલી શકે તેમ ન હતું. માત્ર માતાની ઈચ્છા જ તેને માટે આખરી વાત હતી, પણ હવે માસ્તરની વેદના જોયા પછી જ તેને સમજાયું કે આવડા મોટા અનર્થની જવાબદારી પોતાની છે. પોતે જ માસ્તરના જીવનને બરબાદ કરવા તૈયાર થઈ છે, અને હવે પોતે જ માસ્તરના જીવનને બચાવી શકે તેમ છે. એમના મનને કરાર પણ પોતે જ આપી શકે તેમ છે.

‘મૂંગી કેમ છો મંગળા કહે તો? તું પણ આવા અનર્થમાં રાજીખુશીથી સામેલ થઈ? તનેય આ બુઢ્ઢા માસ્તરની દયા ન આવી? મેં તારો કોઈ અપરાધ તો કર્યો ન હતો ને?'

ખોળામાં બેઠેલા પ્રસાદને માથે માસ્તરની આંખમાંથી વહેતાં આંસુનાં ટપકાં પડતાં હતાં. પ્રસાદ ઘડીકમાં મંગળા સામે તો ઘડીકમાં માસ્તર સામે જોવે, અને બંનેની સામે જોયા પછી એના મોં પર છવાયેલું હાસ્ય પણ વિલય પામતું. ગમગીન બનીને તે યથાવત બેસી રહેતો.

‘માસ્તર, માને પણ આવું પગલું મારા માટે જ લેવું પડ્યું ને ?' અને પોતાની સાડીના પાલવમાં પોતાનું મુખ છુપાવતાં બોલી, ‘મારા જ પાપનું આ પરિણામ છે. જે પરિણામ મારે ભોગવવું જોઈએ, એ પરિણામ ભોગવવા માએ તમને પસંદ કર્યાં, કારણ કે તમે જ અમારા માટે એક માત્ર આધાર સમા છો !'

‘તારું પાપ !' માસ્તરે ચીસ નાંખી. ખોળામાં બેઠેલો પ્રસાદ પણ ચમકી ઊઠ્યો ને રડવા લાગ્યો.

ત્યારે માસ્તર ઉત્તેજીત થઈને પૂછતા હતા, ‘મંગળા તારું પાપ ?’