લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામ–લક્ષ્મણની જોડી
૩૪૧
 

મંગળાએ પ્રસાદનું નામ રામ રાખ્યું હતું. જ્યારથી તેના બાળકનો જન્મ થયો ત્યારથી, તેના મનમાં રામ–લક્ષ્મણની જોડીની કલ્પના જ રમતી હતી. પ્રસાદ રામ બનશે અને પોતાના લક્ષ્મણને તેની છાયામાં જાળવશે એવા ભાવો એના અંતરમાં રમતા હતા.

પ્રસાદને હૈયા સરસો ચાંપીને પુછતી, ‘કેમ રે, મારા રામ, આ લક્ષ્મણને તું જાળવીશને બેટા ?’ અને પ્રસાદ ઉમળકાથી મંગળાને ગળે વળગીને કહેતો, ‘મંગળા ! તું તો કહેતી હતી ને કે રામ–લક્ષ્મણની જોડીને રાક્ષસો પણ તોડી શક્યા ન હતા, ખરું ને ?’

‘હા, મારા રામ !’ પ્રસાદના ઉમળકાથી હર્ષ પુલકિત થયેલી મંગળા કહેતી.

‘તો અમારી જોડીને પછી કોણ તોડી શકવાનું હતું મંગળા ?’ પ્રસાદ પૂછતો અને ગર્વથી ઉછળતો હોય એમ મંગળાના ખોળામાંથી બહાર કૂદી પડતો ને ઘોડિયામાં નિર્દોષ ભાવે હસતા લક્ષ્મણ પાસે જઈને કહેતો. ‘ભાઈ લક્ષ્મણ ! તું જરા પણ ડરતો ના, હોં ! રામ, તારા ભાઈ તારી સાથે જ છે !’

નાનકડા પ્રસાદને મોઢેથી આવા વચન સાંભળતાં મંગળાનું હૈયું નાચી ઊઠતું હતું... નિર્દોષ બાળકો વચ્ચે ભેદભાવની દીવાલ કદી ઊભી થતી નથી. જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે સમાજ એમની વચ્ચે ભેદભાવની દીવાલ ઊભી કરે છે; મંગળા એ જાણતી હતી એટલે તો તેણે પોતે જ બાલ માનસમાં એવા ભાવો પેદા કરવા માંડ્યા હતા કે તેઓ રામ–લક્ષ્મણ છે અને રામાયણમાં રામલક્ષ્મણના પરાક્રમો, ભાઈ ભાઈ પ્રત્યેની ભક્તિ વગેરેની વાતો પ્રસાદને સંભળાવતી હતી, એમાં પણ રાવણ સાથેના યુદ્ધમાં ઘવાયેલો લક્ષ્મણ મૂર્છિત બની જાય છે ત્યારે રામ કેવું કલ્પાંત કરે છે અને પોતાના ભાઈ લક્ષ્મણને માટે જડીબુટી લઈ આવવા હનુમાનજીને આદેશ કરે