છે, એવા એવા પ્રસંગો તે પ્રસાદને પોતાના ખોળામાં બેસાડીને લાડપૂર્વક કહેતી અને પછી ઉમેરતી, ‘જો પ્રસાદ તું હવે રામ થયો. આ તારો નાનો ભાઈ લક્ષ્મણ કહેવાય !’
પ્રસાદના બાલ માનસને મંગળાની વાતો રૂચી ગઈ હતી. પરિણામે રોજ રાત્રે કોડિયાનો દીવા પ્રગટે કે તરત જ પ્રસાદ મંગળાના ગળે વળગી પડતો ને કહેતો, ‘રામ લક્ષ્મણની વાત કહેને, મંગળા !’
અને મંગળા એની જીજ્ઞાસા પૂરી કરતી.
પ્રસાદ હવે મોટો થયો હતો; દિવસો થયા તે પ્રસાદને શાળાએ મોકલવાના વિચારો કરતી હતી અને પોતાનો દીકરો જ્યારે પાટી પેન લઈને શાળાએ જાય ત્યારે માતાના હૈયામાં કેટલો આનંદ વ્યાપી રહે એવો જ આનંદ મંગળાના હૈયામાં પણ વ્યાપી રહ્યો હતો.
તેણે એક બપોરે ઝવેર સમક્ષ પોતાનું હૈયું ખોલ્યું. તે જાણતી હતી કે ઝવેરનો પોતાના પ્રત્યેનો અનુરાગ વધતો જ જાય છે અને તેમાં પણ નાના લક્ષ્મણ માટે તો ઝવેરની ઝંખના વધી પડી હતી. ટાણે કટાણે ઝવેર મંગળાને ત્યાં આવીને ઘોડિયામાં પોઢેલા લક્ષ્મણને લઈને હેતપૂર્વક રમાડતી હતી. એટલું જ નહિ પણ લક્ષ્મણની માવજત કેમ કરવી તેને વિષે મંગળાને સૂચનાઓ આપતી અને ઘણીવાર તો લક્ષ્મણને માટે તે ચીજવસ્તુ લઈ આવતી ને પોતાના ખોળામાં લઈને તેની માવજત કરતી અને મંગળાને બતાવતી. કહેતી, ‘નાના બાળકને બચપણથી જ જેવી રીતે જાળવીએ તેવી રીતે તેના શરીરનો બાંધો બંધાય !’ ને વાતોમાં ને વાતોમાં તે પોતે સામાન્ય સ્થિતિની હોવા છતાં પણ, પોતાના તુલસીને કેવી રીતે જાળવતી હતી તેનું બ્યાન કરતાં થાકતી ન હતી.
અને ઝવેરની વાતો, મંગળા સ્થિરતાપૂર્વક સાંભળતી હતી. મંગળાએ કહ્યું, ‘કાકી! હવે મારા રામને નિશાળે મૂકવો છે, તે શું કરવું જોઈએ ?’