ઝવેરને, મંગળા પ્રસાદની કોઈ વાત કરે તે ગમતું ન હતું. જ્યારે જ્યારે મંગળા પ્રસાદને વિષે ઉમળકો ઠાલવતી ત્યારે ત્યારે ઝવેર એને ઠપકારવાનું ચૂકતી નહિ; કહેતી, ‘હવે પેટના જણ્યાના જતન કરને, પારકાની પંચાત કર્યા વિના ! ઘણા ય મોટા થશે.’ મંગળાને ઝવેરના આવા વેણ તાતા તીર જેવા લાગતા હતા. એ શબ્દો એના મીણ જેવા હૈયાને વીંધી દેતા અને એમાંથી દારુણ વ્યથા વ્યક્ત થતી.
એ મનોમન વિચારતી હતી. ઝવેર પ્રસાદને, પારકો કેમ ગણે છે ? પ્રસાદ એને માટે હૈયાની કોર સમો છે. લક્ષ્મણ કરતાં પણ પ્રસાદ તેને અધિક પ્યારો છે, પોતાને તો રામ અને લક્ષ્મણ બંને પોતાની બંને કીકીઓ સમા છે. ત્યારે ઝવેર કાકી લક્ષ્મણને વહાલ કરતાં પ્રસાદને વિષે આવાં વેણ કેમ કાઢતા હશે ?
એના અંતરમાંથી વણ માગ્યા જવાબ મળતા હતા. લક્ષ્મણ એમના લોહીની સગાઈનો છે, લોકો ભલે ન જાણતા હોય પણ ઝવેરકાકી તો જાણે છે ને? લોહી લોહીને ઓળખે છે, ઝવેરનું લોહી લક્ષ્મણના લોહીને ઓળખી ગયું છે.’
ઝવેરે છણકો કરતાં કહ્યું, ‘એમાં શું કરવાનું છે? પાટી પેન હાથમાં પકડાવીને મોકલી દેવાનો !’
‘ના, કાકી એમ કાંઈ પ્રસાદ ફેંકી દેવાનો નથી તો !’ મંગળા કાકીના મનોભાવ સમજી ગઈ હતી. તેણે કહ્યું, ‘મારો રામ નિશાળે બેસે ને ફળિયાના લોકો ન જાણે એવું તે બને ?’
‘ફળિયાના શા માટે આખા ગામને જણાવને ?’ ઝવેરે ટોણો માર્યો અને ઘોડિયામાં સૂતેલા લક્ષ્મણને બહાર કાઢી, રમાડતાં લક્ષ્મણને કહેવા માંડ્યું, ‘તું નિશાળે બેસીશને ભઈલા, ત્યારે આખું ગામ જાણશે હોં મારા લાલ !’
ઝવેરે લક્ષ્મણ પર હેતના સાગર ઠાલવવા માંડ્યા. ચૂમીઓ ભરી ભરીને પોતાનો ઉમળકો ઠાલવવા માંડ્યો.