ઝવેરના વચનથી રોષે ભરાયેલી મંગળા કશું જ બોલી નહિ. પણ તત્કાળ તેણે મનમાં નિશ્ચય કર્યો કે રામ શાળામાં જશે ત્યારે આખું ગામ જાણશે કે માસ્તરનો દીકરો શાળાએ જવા માંડ્યો છે અને તેણે એક બપારે શાળાએ જઈને ગોપાળદાસ માસ્તરને પૂછ્યું, ‘માસ્તર સાહેબ મારા પ્રસાદને શાળામાં મૂકવો છે તે શું કરવું જોઈએ ?’
ગોપાળદાસ માસ્તર પહેલાં તો મંગળા સામે જોઈ રહ્યા. તેમણે મંગળા વિષે ઘણું સાંભળ્યું હતું. પંડ્યા માસ્તરના જીવતરને બદનામ કરનાર મંગળા વિષે કેટલીય વાતો તેમના કાને આવી હતી, પણ તેમણે મંગળાને ક્યારેય જોઈ ન હતી. આજે પહેલી જ વાર તેમની નજરે પડી હતી અને મંગળાને જોતાં જ તેમના મનમાં લોકોક્તિએ પેદા કરેલા ભાવો દૂર થયા.
‘પ્રસાદ તે, પંડ્યા માસ્તરનો પૌત્ર જ ને?’ ગોપાળદાસે મંગળાને પૂછ્યું.
‘હા, પણ મારો તો રામ છે.’ મંગળાએ જવાબ દીધો. પંડ્યા માસ્તરનો પ્રસાદ હવે તે પોતાના માટે રામ જ બની ગયો છે, એમ કહેવા પાછળનો મંગળાનો ઉદ્દેશ પ્રસાદ પોતાને માટે પરાયો નથી એમ બતાવવાનો હતો.
‘તે સારું મુહૂર્ત જોવડાવીને તમે એને મૂકી જાવ. અમે તેના પર પૂરતું ધ્યાન આપીશું.’ ગોપાળદાસે કહ્યું.
‘બસ !’ મંગળાને ગોપાળદાસના જવાબથી આશ્ચર્ય થયું. પોતે જે જાણવા માટે અહીં સુધી આવી હતી, એ તો માસ્તરના જવાબમાંથી મળતું ન હતું.
‘તો તમે ઈચ્છો તો છોકરાંઓને પતાસા વહેંચી શકો છો.’ માસ્તરને પણ મંગળાના આશ્ચર્યથી અચંબો થયો અને પોતે પતાસાની