લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામ–લક્ષ્મણની જોડી
૩૪૫
 

વાત ન કરી એથી મનોમન પસ્તાવો થયો, એટલે તેમણે મંગળાના આશ્ચર્યનો જવાબ દીધો.

‘કેટલા છોકરા હશે ?’ મંગળાને જે જોઈતું હતું તે માસ્તરના જવાબમાંથી મળી ગયું હતું. એટલે બીજો પ્રશ્ન કર્યો.

‘બાળ વર્ગમાં તો હશે ૨૫-૩૦ બાળકો !’

‘ના, નિશાળમાં કેટલાં હશે ?’ મંગળાએ પ્રશ્ન કર્યો. તેના મનમાં ઝવેરનો ટોણો રમતો હતો. ઝવેરને તે બતાવી દેવા માંગતી હતી કે, પોતાનો રામ નિશાળે બેઠો છે એ વાતની આખા ગામને જાણ થઈ ગઈ છે.

અને શિવના કેસની તપાસ માટે શહેરમાં જતાં તુલસીએ કહ્યું, ‘તુલસી ! શહેરમાંથી મારા રામને માટે સારાં કપડાં લેતો આવજે!’

‘શહેરમાંથી કપડાં ? પ્રસાદને માટે!’ તુલસીને પણ મંગળાના પ્રશ્નથી અચરજ તો થયું પણ પ્રસાદ એને હૈયે વળગ્યો હતો એટલે તેણે પોતાના અચરજને દબાવી દીધું. પૂછ્યું, ‘કેમ અહીં વાણિયાને ત્યાં કપડાં મળે છે ને ?’

‘મળે તો છે જ ને? પણ મારે પ્રસાદને નિશાળે મૂકવો છે એટલે શહેરમાંથી તું સારા જોઈને લાવે તો ?’ મંગળાએ આશાભરી દૃષ્ટિએ તુલસી સામે જોયું.

તુલસી મંગળાની ઈચ્છાની અવગણના કરી શકતો ન હતો. પણ જ્યારે ઝવેરે જાણ્યું કે મંગળાએ પ્રસાદ માટે શહેરમાંથી નવાં કપડાં મંગાવ્યાં છે ત્યારે તેનો ગુસ્સો વધી ગયો અને મંગળાને જવાબ દેવા માંગતી હોય એમ તેણે તુલસીને કહ્યું, ‘તો તું લક્ષ્મણ માટે પણ લેતો આવજે. એણે શો ગુન્હો કર્યો ?’