ઘરમાં તેની શાંતિ હણાઈ ગઈ હતી. એની મનોવ્યથા વધી ગઈ હતી, એનું મન પ્રસાદને ઝંખતું હતું. અંતરના ઊંડાણમાંથી સાદ સંભળાતો હતો ‘પ્રસાદ, પ્રસાદ!’
પ્રસાદની સ્મૃતિમાં ખોવાયેલી ઘરમાં આમતેમ ઘૂમતી મંગળાને એનું પણ ભાન ન રહ્યું કે ઝવેર કાકી ક્યારે આવ્યાં ને ઘોડીયામાંથી લક્ષ્મણને લઈને તેઓ ક્યારે રમાડવા લાગ્યા. ઝવેરે જ તેને ભાનમાં આણી.
‘અલી મંગળા ! આ લક્ષ્મણ ક્યારનોય રડે છે, તને સંભળાતું નથી ? એવી તે શા વિચારમાં પડી ગઈ છું ?’ પોતાના હાથમાં રહેલા લક્ષ્મણને રમાડતાં રમાડતાં ઝવેરે પૂછ્યું. ‘એવાં તે શા દુઃખ પડ્યા છે, તે લક્ષ્મણ સામે જોવાની પણ દરકાર કરતી નથી ?’
મંગળાને જાણે કોઈએ બળપૂર્વક ખેંચીને ભાનમાં આણી. બહાવરી બનીને તેણે ઝવેરના ખોળામાં પડેલા લક્ષ્મણને તેણે ઉઠાવ્યો. એની સામે જોયું. રડી રડીને થાકી ગયેલા લક્ષ્મણને તેણે પ્યારથી ભીંજવ્યો અને તેના હાસ્યભર્યા વદન પર ચુંબનોની ઝડીઓ વરસાવતાં પૂછ્યું ‘તું રડતો હતો લક્ષ્મણ ?’ અને વળી પાછો તેને હૈયે વળગાડી દીધો.
ઝવેર કાકી તો, મંગળાના હર્ષ પુલકિત ચહેરા સામે જોઈ જ રહી. અને એનું મન આનંદ વિભોર બની ગયું.
‘શા વિચારમાં પડી ગઇ હતી ?’ ઝવેરે મંગળાને પૂછ્યું અને કહ્યું, ‘હું આવી ત્યારે તો એવું રડતો હતો કે મારો તો જીવ ઉડી ગયો.’
મંગળાએ લક્ષ્મણને પયપાન કરાવ્યું ને પુનઃ ઘોડિયામાં સુવાડી દેતાં કહ્યું, ‘હવે ઊંઘી જા હોં મારા લાલ !’
ને તેણે દોરી પકડીને ઘોડિયાને હિંચકા નાંખવા માંડ્યા, એના મુખમાંથી હાલરડાના શબ્દો સરી પડ્યા: