હર્ષ પુલકિત બનેલી મંગળા બોલી, ‘સારું, ભાઈ તું રોજ શાળાએ આવજે હોં !’
‘પણ લક્ષ્મણને તું ક્યારે મોકલીશ ?’ પ્રસાદે કુતુહલતાપૂર્વક પૂછ્યુંં, મંગળાના મોં પર લજ્જાના આવરણ છવાયા, છતાં તેણે જવાબ દીધો.
‘હજી લક્ષ્મણ તો નાનો છે ને? તારા જેવડો થશે એટલે તેને પણ તારી સાથે જ નિશાળે મોકલીશ હોં મારા રામ !’
‘હા પછી અમે રામ–લક્ષ્મણની જોડી બનીને શાળાએ આવીશું. હું તેને સાચવીશ હોં, એને કોઈ મારશે નહિ હોં મંગળા !’
પ્રસાદે પોતાની કાલીઘેલી બોલીમાં મંગળાને વિશ્વાસ દેવા માંડ્યો.
ગોપાળદાસ તો મંગળાની, પંડ્યા માસ્તરના આ પૌત્ર પર વરસી રહેલ અસિમ પ્રેમ ધારાને જોતા જ રહ્યા અને મનોમન બોલી ઊઠ્યા ‘ધન્ય મંગળા ! ધન્ય !’
પ્રસાદ પાછો પોતાના સાથી સાથે બેસવા જતો હતો ત્યાં ગોપાળદાસે કહ્યું ‘ભાઈ આજે હવે બહુ થયું. મંગળા સાથે ઘેર જા, કાલે આવજે હોં !’ અને ઉમેર્યું ‘મંગળાને તારા વિના ચેન પડતું નથી એમ લાગે છે. હજી બે કલાક તો થયા નથી, ત્યાં તો તે દોડતી આવી પહોંચી, પ્રસાદને જોવા !’
ગોપાળદાસના શબ્દોએ મંગળાને શરમિંદી બનાવી. એણે પોતાના પાલવમાં પોતાનું મુખ સંતાડી દીધું.
ગોપાળદાસે કહ્યું ‘મંગળા એમાં શરમાવાનું શું કારણ છે ? એ તો ગૌરવની વાત છે, પ્રસાદ પ્રત્યેનો તારો સ્નેહ જોઈને મને થાય છે કે કોઈ જનેતા પણ, પોતાના દીકરાના વિરહમાં આવી ઘેલી થતી નહિ હોય !’
મંગળા પ્રસાદની આંગળી પકડીને શાળા છોડી ગઈ અને